પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ, કથળતી સ્વાસ્થ્ય વ્યવસ્થા અને રેમેડેસિવીર ઇન્જેક્શન ની કાળાબજારી પર ચિંતા વ્યક્ત કરતા વીડિયો સંદેશ જાહેર કર્યો છે. શંકરસિંહે હાલમાં રાજ્યના અલગ અલગ શહેરો થી હોસ્પિટલના જે વીડિયો વાઇરલ થયા તેના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે એક એક બેડ પર બે બે લોકોને સુવડાવા પડે છે અને દર્દીને ખુરસી પર બેસાડીને ઓકસીજન અપાય છે ત્યારે ભાજપે ગુજરાતમાં ફક્ત દેખાડાનો વિકાસ જ કર્યો છે મૂળભૂત વિકાસ નથી કર્યો તે સાબિત થાય છે. સ્મશાનમાં લાંબી લાઈનો વચ્ચે વહેલો વારો લાવવા માટે 2000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે તે મુદ્દે પણ તેમણે માનવતા મરી ગઈ હોઈ તેવી લાગણી વ્યક્ત કરી છે.
ભાજપના વિકાસ મોડલ પર કટાક્ષ કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં હોસ્પિટલોની બનેલી હાલતોએ કથિત ગુજરાત મોડલની પોલ ખોલી દીધી છે અને અન્ય નાના શહેરો અને ગામોમાં તો હોસ્પિટલોના ઠેકાણા જ નથી અને લોકો સારવાર માટે આમતેમ વલખા મારી રહ્યા છે. નાગરિકોના કરોડો રૂપિયા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના વિમાન પાછળ વેડફાઈ છે પણ નાગરિકોને એમ્બ્યુલન્સ અને શબવાહિની પણ નથી મળતી. હોસ્પિટલોમાં બેડની પૂરતી વ્યવસ્થા ના હોવાથી શંકરસિંહે સરકારને વિનંતી કરી છે કે સર્કિટ હાઉસ, સ્ટેડિયમ અને વાઇબ્રન્ટ ગુજરાત વાળા એસી ડોમ સહિતની જગ્યાઓ પર સ્થાયી કોવિડ કેર સેન્ટર ઉભા કરવા જોઈએ.
ભાજપ પ્રમુખ સી. આર. પાટિલના રેમેડેસિવિર કૌભાંડ પર શંકરસિંહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે હાલમાં જ રેમેડેસિવિર ઇન્જેક્શનની ભારે અછતને કારણે લોકો રાજ્યભરમાંથી એક એક ઇન્જેક્શન લેવા માટે સવારથી સાંજ હોસ્પિટલોના ધક્કા ખાય છે ત્યારે ભાજપ પાસે 5000 ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો પાસે આ ઇન્જેક્શન નથી! આ ઇન્જેક્શન બનાવનારી કંપની પાસે આનો સ્ટોક નથી તો ભાજપે ક્યાંથી આટલા મોટા પ્રમાણે ઇન્જેક્શન શોધ્યા? મતલબ ઇન્જેક્શનની કાળા બજારી થઈ રહી છે અને ભાજપ તેમાં ભાગીદાર છે. લોકોના જીવ સાથે ચેડા કરતી આ હલકી રાજનીતિ છે. શંકરસિંહે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતા કહ્યું છે કે ભાજપ અને તેના મળતીયાઓ ને ઇન્જેક્શનના સંગ્રહખોરી અને ભાજપ કાર્યાલય પર તેના ગેરકાયદેસર વેચાણ ને લઈને એપેડેમિક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.
સી. આર. પાટિલના રેમેડેસિવિર કૌભાંડ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ સમક્ષ જણાવ્યું હતું કે પાટીલ પાસે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તે તેમને ખબર નથી તેના પર શંકરસિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીને પણ ભાજપ ક્યાંથી આ સંગ્રહ કરેલા ઇન્જેક્શન લાવી એ ખબર ના હોઈ તો ગુજરાતનું દુર્ભાગ્ય છે કે આપણા મુખ્યમંત્રી સુધી કોઈ માહિતી પહોંચતી જ નથી. ગુજરાતનું શાસન કોના હાથમાં છે? તેવા પણ સવાલ તેમણે કર્યા.