વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના શિર્ષ વૈજ્ઞાનિક ડો. સૌમ્ય સ્વામીનાથને ગુરૂવારે કહ્યું કે, કોવિડ-19ની વેક્સિન બનાવવા માટે અનેક જગ્યાએ કામ અંતિમ તબક્કામાં છે, અને પૂરી આશા છે કે, કોરોનાની રસી આ વર્ષના અંત સુધીમાં આપણને મળી જશે.
આ સિવાય સ્વામીનાથને કહ્યું કે, મેલેરિયા રોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન કોરોના સંક્રમિતોની સારવાર માટે કારગર નથી પરંતુ નુકશાન કરી રહી છે, જેથી તેના પર ચાલી રહેલા તમામ રિસર્ચ અને ટ્રાયલને રોકી દેવામાં આવ્યા છે.
ભવિષ્યમાં આ ઘાતક વાયરસથી બચાવનાર રસીના સંદર્ભમાં સ્વામીનાથને કહ્યું કે, લગભગ 10 જગ્યા પર માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. અને તેમાંથી ત્રણ જગ્યા પર પરીક્ષણ અંતિમ તબક્કામાં પ્રવેશી ચુક્યું છે, જ્યાં એક રસી પ્રભાવીત સાબિત થઈ રહી છે.

કારગર વેક્સિનને લઈ ડબલ્યૂએચઓના પ્રયાસનો ઉલ્લેખ કરતા સ્વામીનાથને કહ્યું કે, મને આશા છે, હું આશાન્વિત છુ પરંતુ વેક્સિન વિકસિત કરવી એક જટિલ પ્રક્રિયા છે, અને તેમાં ખૂબ જ વધારે અનિશ્ચિતતા પણ છે. સારી વાત એ છે કે, આપણી પાસે કેટલાક અલગ-અલગ ઉમેદવાર છે અને પ્લેટફોર્મ છે.
તેમણે કહ્યું, જો આપણે ભાગ્યશાળી છીએ તો, આ વર્ષના અંત સુધીમાં એક અથવા બે સફળ વેક્સિન મળી જશે.
WHOએ કહ્યું કે, કેટલાક દેશમાં ટ્રાયલ કરવા છતા આ દવા કોરોના દર્દીઓની સારવારમાં કારગર સાબિત નથી થઈ રહી. જેથી હવે તેનું ટ્રાયલ બંધ કરવામાં આવવું જોઈએ. હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો સૌથી વધારે પક્ષ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડો. સૌમ્યા સ્વામીનાથનનું એ પણ કહેવું છે કે, લોકોને કોવિડ-19 સંક્રમણની ચપેટમાં આવવાથી રોકવા માટે મેલેરીયા રોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ભૂમિકા હોઈ શકે છે.