કોરોનાની મહામારીમાં હાલ આખા પરિવારો સંક્રમિત થઇ રહ્યા હોવાના પણ અનેક કેસો છે ત્યારે હોમ ક્વૉરન્ટાઇન થયેલા લોકો માટે ટીફીન સેવા શરૂ કરવામાં આવી છે. ટીફીન ઘર સુધી પહોચાડવામાં આવી રહ્યું છે. વરાછાના આ ગ્રુપ દ્વારા આખા સુરતમાં હાલમાં રોજની 1200થી વધુ થાળીની સેવા કરવામાં આવી રહી છે. કેટરિંગના વ્યવસાય ધરાવતા આ મિત્રોએ પોતાના રેસ્ટોરંટમાંથી ફ્રી ભોજન ઘર સુધી આપવાનું ભગીરથ કાર્ય કર્યુ છે.
કોરોનાએ સમગ્ર સુરતને બાનમાં લીધું છે. અને હવે તો શહેરમાં આખે આખા પરિવારો સંક્રમિત થઇ રહ્યા છે. આવા કપરા સમયમાં એક બીજાની મદદની ખાસ જરૂર છે. ત્યારે જે લોકોનો આખો પરિવાર કોરોનાગ્રસ્ત છે અને ઘરમાં કોઈ રસોઈ બનાવી શકે તેમ નથી. જેને લઈને ખાવાનો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે આ બધા વચ્ચે શહેરમાં આ યુવાનો દ્રારા માનવતાનું કાર્ય શરુ કરવામાં આવ્યું છે.
કેટરર્સનું કામ કરનારા મગન કોલડિયાએ વાત કરતા જણાવ્યું હતું કે, જમવામાં તેઓ દાળ-ભાત, શાક-રોટલી-સલાડ આપે છે તેઓને માત્ર મીની બજાર નહીં, પણ શહેરના અડાજણ, રાંદેર સહિતના વિસ્તારો આવરી લેવાયા છે, અને તેઓની રોજની બે હજાર ઇન્ક્વાયરી આવે છે. પહેલા દિવસે 980 લોકોને ભોજન આપ્યું છે. આ સેવામાં જોડાવા માટે પાટીદાર કેટરર્સ વરાછાનો સંપર્ક કરવાથી વધુ માહિતી મળી શકે છે.
વરાછા રોડ હરીશનગરમાં રહેતા કિશોર ત્રાપસિયા હીરાની ઓફિસમાં કામ કરે છે. આ કોરોના કાળમાં તેઓના પરિવારના ચાર સભ્યોને કોરોના આવતા રસોઈ બનાવવી તો દૂરની વાત ટિફિન પણ આપવા કોઈ તૈયાર નહોતું.
કિશોરે વધુમાં જણાવ્યું કે,તેમના પરિવાર પર વીતેલા એ કાળા દિવસોને જોતા શહેરીજનોની મદદ માટેનો વિચાર આવ્યો હતો. સાત દિવસનું બપોરનું ભોજન વિનામૂલ્યે ઘર સુધી પહોચાડી રહ્યા છે. જો કે આ માટે તેઓએ કોઈ પણ પ્રકારનું દાન પણ લીધું નથી પોતે અને મિત્રોએ બચાવેલા પૈસા માંથી આ સેવાકીય કાર્ય કરાઈ રહ્યું છે.