અહીં એક યુવતી સાથે લગ્ન કરવા પહોંચ્યા બે યુવકો, કેવી રીતે આવ્યું સમાધાન?

લગ્નો અંગે અજીબોગરબી ઘટનાઓ બનતી રહે છે. થોડા મહિનાઓ પહેલા એવું બન્યું હતું કે એક જ યુવતીને લગ્ન કરવા માટે ચાર દુલ્હાઓ પહોંચ્યા હતા. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના કન્નૌજમાં સામે આવી હતી. અહીં એક જ માંડવે બે જાન પહોંચી હતી. આવી સ્થિતિએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, પંચાયત અને પોલીસ વચ્ચે પડીને એક ચોક્કસ સમાધાન કાઢ્યું હતું. જે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે.

કન્નૌજના સૌરિખ પોલીસ મથક હેઠળ આવતા કકલાપુર ગામમાં દુલ્હો દુલ્હનના ઘરે જાન જોડીને પહોંચી ગયો હતો. છોકરીના પરિવારજનોએ દુલ્હાનું જોરદાર સ્વાગત કર્યું હતું. લગ્નની તમામ વિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન દુલ્હનનો પ્રેમી પણ જાન જોડીને પહોંચી ગયો હતો. બીજી જાનને જોઈને ગામના લોકો અને દુલ્હનના પરિવારજનો પરેશાન થઈ ગયા હતા. જોકે, આ દરમિયાન દુલ્હન ખૂબ ખુશ લાગી રહી હતી.

હકીકતમાં પરિવારની પસંદગીના દુલ્હા સાથે યુવતી લગ્ન કરી રહી હતી, પંરતુ જેવો તેનો પ્રેમી જાન લઈને આવ્યો કે દુલ્હને લગ્નની વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં ત્યાં હાજર લોકો વિચારમાં પડી ગયા હતા. આ દરમિયાન કોઈએ આ વાતની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે ગામ ખાતે પહોંચીને દુલ્હન અને તેના પ્રેમીની અટકાયત કરી લીધી હતી. જે બાદમાં બને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસ શરૂ કરાયા હતા.

તમામ વાતચીત ચાલી રહી હતી ત્યારે આ કહાનીમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો હતો. હકીકતમાં દુલ્હનના પ્રેમીના લગ્ન પહેલાથી જ 23 મેના રોજ નક્કી હતા. જોકે, તે તેની પ્રેમિકાના દરવાજો જાન લઈને આવી ગયો હતો. હવે આ વાતચીતમાં દુલ્હનના પ્રેમીના જે જગ્યાએ લગ્ન નક્કી થયા હતા તે લોકો પણ જોડાયા હતા. ત્રણેય પક્ષકાર વચ્ચે કલાકો સુધી ચર્ચા ચાલી હતી. જે બાદમાં દુલ્હનના પરિવારજનોએ દુલ્હાને તમામ સામાન પરત આપી દીધો હતો અને દુલ્હાના પરિવારે પણ તિલકમાં મળેલું બાઇક પરત આપી દીધું હતું.

એટલું જ નહીં, દુલ્હનનો જે પ્રેમી જાન લઈને આવી પહોંચ્યો હતો તેણે તેના જે જગ્યાએ લગ્ન નક્કી કર્યા હતા તેમની સાથે સમાધાન કરી લીધું હતું. જે બાદમાં પોલીસની હાજરીમાં દુલ્હનના લગ્ન તેના પ્રેમી સાથે કરવામાં આવ્યા હતા.

જાન જોડીને ગામ ખાતે આવી પહોંચેલો પરિવાર લગ્ન તૂટી જતાં ખૂબ નારાજ હતો. આ દરમિયાન ગામના જ એક પરિવારે તેમની દીકરીના લગ્ન દુલ્હા સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદમાં દુલ્હા અને તેના પરિવારે લગ્ન માટે હા કહી દીધી હતી અને લગ્નની વિધિ શરૂ થઈ હતી. આ રીતે ગામમાં એક જ રાત્રે બે બે દીકરીની વિદાઈ થઈ હતી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.