કોરોના વાયરસને કારણે રાજ્યના આરોગ્ય લક્ષી ખર્ચાઓમાં વધારો થયો છે, જ્યારે રાજ્યની વિવિધ આવકોમા ધરખમ ઘટાડો નોંધાયો છે. નોવેલ કોરોના વાયરસ મહામારી પછીના સમયમાં આર્થિક પુનરુત્થાન એટલે કે ઇકોનોમિક રીવાઇવલ માટે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત આઇએએસ અધિકારી હસમુખ અઢિયાના અધ્યક્ષ સ્થાને એક સમિતની રચના કરવામાં આવી હતી . આ સમિતિએ આપેલ વચગાળાના અહેવાલ અને માર્ગદર્શનને અનુસરીને હવે નીચેના સરકારી ખર્ચાઓમા કાપ મૂકાશે.
નવી મશીનરી-નવાં સાધનોની ખરીદી પર પ્રતિબંધ મુકાયો છે. ઇલેક્ટ્રોનિક્સ સાધનો જેવાં કે કમ્પ્યુટર, પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન, એરકંડીશનર મશીન તથા તે સિવાયની અન્ય મશીનરીની ખરીદી તેમજ IT સંલગ્ન પ્રોજેક્ટ ઉપર તારીખ 31-3-2021 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અધિકારી/કર્મચારીઓને મળતી કાર્યાલય સુવિધાઓ જેવી કે એરકંડીશનર મશીન, કુલર, ફર્નિચર, કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલ ફોન જેવી વગેરે બાબતોમાં પણ પ્રમાણસર વપરાશની સૂચનાઓ આપવામાં આવી છે.
ફર્નિચર ખરીદીના કામોના જો ટેન્ડર બહાર પાડવાના બાકી હોય તો તેવા કામો તારીખ 31-3-2021 સુધી સ્થગિત કરવાના આદેશ કર્યો છે. જે ફર્નિચર ખરીદીના કામોના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, પરંતુ ટેન્ડર ઓપન કરવામાં આવેલ નથી, તેવા કામોના ટેન્ડર ઓપન કરવાની કામગીરીને તારીખ 31-3-2021 સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
જે ફર્નિચર ખરીદીના કામોના ટેન્ડર ઓપન કરવામાં આવેલ છે, પરંતુ વર્ક ઓડરે આપવાના બાકી છે તેવા કામોના વર્કઓર્ડર આપવાની કામગીરી તારીખ 31-3-2021 સુધી સ્થગિત કરવામા આવી છે.સરકારી કચેરીઓમાં વિજળીનો વપરાશ કરકસરયુક્ત કરવા સૂચના અપાઈ છે. તમામ કચેરીઓએ હવેથી કચેરીના માસિક વિજળી બીલમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો હાથ ધરવાના રહેશે.
ઉપરોક્ત તમામ કરકસર અંગેની સૂચનાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સિવાયના સચિવાલયના સર્વે વહીવટી વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, અન્ય તમામ તાબાની સરકારી કચેરીઓ ઉપરાંત રાજ્ય સરકારના જાહેર સાહસો, મંડળી, નિગમો, કંપનીઓ, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ તમામ સંસ્થાઓને લાગુ પડશે. ઉપરોક્ત મુજબના ખર્ચમાં જો કોઇ છૂટછાટ મેળવવાની થાય તો જે તે વિભાગે નાણાં વિભાગ મારફતે મુખ્યમંત્રી રુપાણીની મંજૂરી મેળવવાની રહેશે.