ઈન્જેક્શનનું કાળાબજાર કરતા આરોપીઓના કેસ લડવા અંગે સુરત વકીલ મંડળે સર્વાનુમતે કરી આ જાહેરાત…

રેમડેસિવિર ઈન્જેકશનના કાળા બજાર કરવાના ગુનાહિત કારસામાં સંડોવાયેલા આરોપીઓનો કેસ ન લડવા આજે સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની વર્ચ્યુઅલ મિટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપપ્રમુખ નૈષધ જાસોલીયાએ જણાવ્યું હતું કે, બેઠકમાં ઇન્જેકશનના કાળાબજાર કરનાર તત્વોના ગુનાઇત કૃત્યને આકરા શબ્દોમાં વખાડી કઢાયું હતું.

હોસ્પિટલના વેન્ટીલેટર પર દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતું હોય ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનની જરુરીયાત પર ભાર મૂકી વ્યવસ્થા કરવા સબંધીઓ પર દબાણ કરાય છે. જેને પગલે લેભાગુઓએ ઇન્જેકશનના કાળાબજાર સહિત ડુપ્લિકેટ ઇન્જેકશન બનાવવાનું શરૂ કરી દીધું છે. વકીલ મંડળના હોદ્દેદારોએ કોરાના કાળમાં માનવતા મુકીને ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેકશન વેચતા કે કાળા બજારી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વોના કેસને ન લડવા વકીલોને અનુરોધ કર્યો છે.

અલબત્ત આજે જ રેમડેસિવિર ઈન્જેકશનના કાળા બજારી કરનાર બે અસીલોના જામીન રદ થયા હોઈ વકીલો બાર એસોસીએશનના ઠરાવનું કેટલા હદે પાલન કરે છે તે જોવું રહ્યું.બાર એસોસિએશનની ઓનલાઇન બેઠકમાં સર્વાનુમતે નિર્ણય બાદ વકીલોને ઠરાવનો અમલ કરવા અનુરોધ કરાયો છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *