કોરોનાને લઈને રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલને આપી આ ખાસ સૂચના…

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજયમાં વધતા કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકો પણ કોરોનાના પ્રોટોકોલનુ ચુસ્તપણે પાલન કરે અને સંયમ રાખી સહયોગ આપે એ જરૂરી છે.

રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી બિનજરૂરી રીતે વધુ સમય દાખલ રાખી નાણાં વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે. આ માટે રાજય સરકારે નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી દીધી છે. આ ટીમો આવતીકાલથી જ રાજયની તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવારનો અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે.

વડોદરા ખાતે કોરોના સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે,રાજયમા હાલ 2200થી 2500 કેસો આવી રહ્યા છે ત્યારે સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે રોજ યોજાતી કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરીને યોગ્ય નિર્ણયો પણ અમે લઈ રહ્યા છીએ. રાજયમાં હાલ કોઈ લૉકડાઉનની આવશ્યકતા જણાતી નથી. જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાશે.

તેમણે ઉમેર્યુ કે, રાજયના મહાનગરોમાં કોરોનાના દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે એ માટે જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમા વધુ સરકારી પથારીઓ રિઝર્વ કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેકટરોને સત્તા આપી દેવાઈ છે એટલું જ નહી અન્ય રાજયોમાંથી ગુજરાતમાં આવતા નાગરિકોનો RTPCR ટેસ્ટ નેગેટીવ હશે તેને જ પ્રવેશ આપવાનો નિર્ણય પણ રાજય સરકારે કર્યો છે જેનો અમલ પણ ૧લી તારીખથી શરૂ કરી દેવાયો છે. કોરોનાની સારવાર માટે અપાતા રેમડિસીવરના ઈન્જેકશનનો જથ્થો પણ રાજયમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. વધુ ૫૦ હજાર વાયલનો ઓર્ડર આપી દીધો છે જે સત્વરે ઉપલબ્ધ થશે.

તેમણે નાગરિકોને રસીકરણ કરાવવા અપીલ કરી હતી એટલું જ નહીં રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ ૪ થી ૬ અઠવાડિયામાં બીજો ડોઝ અવશ્ય લેવા પણ જણાવ્યું હતું. કોરોના સંક્રમણ અટકાવવા માટે નાગરિકોએ ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવુ જરૂરી છે. જો આપણે નિયમોનું પાલન કરીશું તો કોરોના સંક્રમણને અટકાવવામાં ચોક્કસ સફળ થઈશું. નાગરિકો નિયમોનું પાલન કરે તો આપણે ચોક્કસ કોરોના સંક્રમણને અટકાવી શકીશું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના કેસોનું પ્રમાણ વધી રહ્યુ છે. રાજ્યમાં પણ બીજા તબક્કાનું કોરોના સંક્રમણ શરૂ થતાં કેસો વધ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના દર્દીઓની સારસંભાળ અંગે જિલ્લાના તંત્ર વાહકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં પણ દર્દીઓનો વધારો થઈ રહ્યો છે રાજ્યમાં કોરોના દર્દીઓની સારવાર ઝડપથી થાય તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે.

તેમણે જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે આજે કેટલાક નિર્ણય કરવામાં આવ્યા છે જે મુજબ વડોદરા શહેરમાં ધન્વંતરી રથ દ્વારા સમગ્ર શહેરમાં ૨૦૦ ટીમો દ્વારા વિવિધ ઝોન વોર્ડમાં નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત દરેક વિધાનસભા બેઠક દીઠ બે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે અને નાગરિકોના એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે.

વડોદરા શહેરમાં જે નાગરિકોને કોરોનાના સામાન્ય લક્ષણો અથવા શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તેવા દર્દીઓને શહેરના ચાર અતિથિગૃહમાં કોવીડ કરે સેન્ટર શરૂ કરી વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે. જેના કારણે હોસ્પિટલોમાં તેઓને દાખલ થવું પડે નહીં અને હોસ્પિટલોમાં બિનજરૂરી પથારી ભરાતી અટકશે.

તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે પૂરતી પથારી ઉપલબ્ધ છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં ગોત્રી હોસ્પિટલમાં ૫૭૫ તેમજ સયાજી હોસ્પિટલમાં ૬૨૫ બેડ ઉપલબ્ધ છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *