તા. 25-4-2021 રવિવાર રાત્રે 11:40 કલાકે સુરત શહેરનાં જાગૃત સુરત અપડેટ ગ્રુપનાં માધ્યમથી પહેલો મેસેજ મળ્યો કે શહેરમાં સ્ટેશન વિસ્તારમાં આયુષ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. સુરત શહેરની સેવાનાં માધ્યમથી જોડાયેલી 50 થી વધારે સંસ્થાઓનાં પ્રતિનિધિઓ અને સેવાનાં સૈનિકો આ ઘટનાનો મેસેજ મળતાની સાથે જ મિનિટો માં જ ઘટના સ્થળે પહોંચી ગયાં અને જીવનાં જોખમે સેવાકીય કાર્ય શરૂ કર્યું હતું.
તેમના દ્વારા ફાયરની ગાડીઓ, પોલીસ તંત્ર, અર્ધ સરકારી સ્ટાફ પહોંચે એ પહેલાં જ પ્રાથમિક સ્તરે કાર્ય શરૂ કરી દેવાયું હતું. ખરેખર જોવા જઈએ તો કુદરત જ્યારે મનુષ્ય પાસેથી અનેક પ્રકારની પરીક્ષાઓ લઈ રહ્યા છે. ત્યારે આયુષ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લઈને બહાર આવી રહ્યા છે.
તે દરમિયાન બનેલી આ ઘટના ઘણી દુઃખદ કહેવાય. હોસ્પિટલ ડોક્ટર મિત્રો, હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ હોસ્પિટલ રિલેટેડ તમામ વ્યક્તિઓએ માનવતાનાં જીવનની આ કઠિન પરિસ્થિતિમાં લાગેલી આગને બુઝવવા માટેનાં તમામ પ્રયત્નો કરીને દર્દીઓને સહી સલામત રીતે અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવીને માનવ જિંદગી બચાવવા માટે પોતાના જીવની બાજી લગાવી હતી.
આ સમગ્ર ઘટના દરમિયાન આજુબાજુના વિસ્તારના તેમજ અન્ય ડોક્ટર મિત્રો, હોસ્પિટલ સ્ટાફ પણ કોઈપણ પ્રકારનાં અન્ય વિચાર કર્યા વગર સેવા માટે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. સુરતની તાસીર કહી શકાય તેવી કર્ણભૂમિ નગરી પર આ ઘટનામાં કલાકોની અંદર જ 70 થી વધુ દર્દીઓને સહી સલામત રીતે આગળની સારવાર મળી રહે તેવા સ્થળે સ્થળાંતર કરીને સૌએ એકતાથી સેવાનું કાર્ય સાર્થક કર્યું હતું.