સુરતના યુવકના હૃદય-ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી 8 વ્યક્તિઓને નવજીવન આપ્યું…

સુરત વેલંજા વિસ્તારમાં રહેતા પટેલ સમાજના યુવક બ્રેનડેડ પીયુષ નારણભાઈ માંગુકિયાના હૃદય, ફેફસાં, કિડની, લિવર, સ્વાદુપિંડ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી 8 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. પીયુષભાઈનું હ્રદય સહિતના અંગોના દાનથી પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

પીયુષભાઈની હ્રદય સુરતથી અમદાવાદનું 272 કિ.મીનું અંતર 130 મીનીટમાં કાપીને ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.

સુરતથી મુંબઈનું 296 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. જ્યારે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC માં કરવામાં આવશે.

બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા થવાને કારણે…

સુરતના વેલંજા ખાતે આવેલી રામવાટીકામાં રહેતા પીયુષ નારાયણભાઈ માંગુકીયા મૂળ ભાવનગર જિલ્લાના માળવાવ ગામના વતની હતા. રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતો પીયુષ કામ પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં રહેતા સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયો હતો. ત્યાંથી રાત્રે 10 કલાકે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અમરોલી સાયણ રોડ પર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલ સદગુરુ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. 

આ ઘટના સ્થળે હાજર લોકોએ પિયુષને 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આયુષ ICU એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.

પીયુષના પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી…

તા.28 ઓકટોબર બુધવારના રોજ ન્યૂરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ન્યૂરોફિજીશિયન ડૉ.ભદ્રેશ માંગુકિયા, ફીજીશીયન ડૉ.કિશોર વીરડિયા, નેફ્રોલોજીસ્ટ ડૉ.જયદીપ હીરપરાએ પીયુષને બ્રેનડેડ જાહેર કર્યા હતા.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પીયુષના પિતા નારણભાઈ, મોટા પપ્પા ભુરાભાઈ, ભાઈ પરેશ, સાળા સંજયભાઈ, પિતરાઈ ભાઈ હસમુખભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. ત્યારબાદ પરિવારે અંગદાનની સંમતિ આપી હતી.

રાજ્ય અને ગ્રામ્ય પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર કરીને અંગો સમયસર ટ્રાન્સપ્લાન્ટ કરાયા…

અમદાવાદ અને મુંબઈ હ્રદય અને ફેફસાં સમયસર પહોંચી શકે તે માટે આયુષ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને બે વખત ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની, લિવર અને પેન્ક્રીયાસ અમદાવાદની (IKDRC) મોકલવા માટે આયુષ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *