સુરત ડાયમંડ ઉધોગ કોરોનાનું સુપર સ્પ્રેડર્સ બની રહેલાં હીરાના કારીગરોની સંખ્યા નિયંત્રણમાં નહીં આવતાં આગામી એકાદ બે દિવસમાં હીરા બજાર અને વધુ કેસ આવે છે તેવા કારખાના બંધ કરાવવા માટે વિચારણા થઈ રહી છે.
મ્યુનિની ટીમે રવિવારે હિરા બજારમાં અને પોઝિટિવ કેસની હિસ્ટ્રીની તપાસ કરતાં સંક્રમણ હજી વધે તેવી શક્યતા જોવા મળી હતી.
હીરાના ઉધોગ શરૂ થતાં જ કર્મચારી સતત સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે પહેલા 250 કરતા વધુ લોકો સંક્રમિત થયા છે અને છેલ્લા પાંચ દિવસમાં હીરાના ધંધા સાથે સંકળાયેલા 200થી વધુ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.
હીરાના કારખાનામાં અને હીરા બજાર સાથે સંકળાયેલા લોકો સાથે તેમના પરિવારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.હીરાના કારખાનામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા કતારગામ ઝોનમાં કેટલાક કારખાના બંધ કરવામાં આવ્યા હતા. જોકે, રાજકીય દખલગીરી થતાં મનપાની હીરાના કારખાના સામેની કામગીરી ઢીલી પડી હતી. દરમિયાન છેલ્લા પાંચ દિવસમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા 200થી વધુ લોકો પોઝિટિવ આવતા મનપા તંત્ર ચોંકી ઉઠયું છે.
જોકે, પહેલા પણ ઉધોગકારો સાથે મિટિંગ કરી ગાઈડલાઇન કડક અમલ કરવાની સૂચના આપવામાં આવી હતી. છતાંય નિયમોનું કોઈ પાલન થતું નથી. જેને કારણે મનપાના આરોગ્ય વિભાગની ટીમ રવિવારે શહેરના હીરા બજારમાં તપાસ શરૂ કરી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો સરેઆમ ભંગ થતો હોવાનું બહાર આવ્યું હતું.અનેક પ્રયાસ છતાં પણ કોરોના રોકવા માટેના નિયમોનું પાલન નહીં થતાં હીરા બજારને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.