પ્રવાસી મજૂરો મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. પ્રવાસી મજૂરોની દુર્દશા પર સુઓમોટો લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને આદેશ કર્યો કે તમામ પ્રવાસી મજૂરોને 15 દિવસમાં તેમને ઘર પહોંચાડવામાં આવે.
કોર્ટે કહ્યુ કે, તમામ રાજ્ય સરકારોએ એ વાત રેકોર્ડ પર લાવવી પડશે કે તેઓ કેવી રીતે રોજગારી અને અન્ય પ્રકારની રાહત આપશે. પ્રાસીઓની નોંધણી થવી જોઇએ.ન્યાયાધીશ અશોક ભૂણ, ન્યાયાધીશ સંજય કિશન કોલ અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે આ પ્રવાસી મજૂરોની દયનીય સ્થિતિ અંગે સુઓમોટે લેતા મામલા અંગે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરી હતી.

આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ ખંડપીઠને માહિતી આપી કે આ પ્રવાસી મજૂરોને તેમના પૈતૃક ગામોમાં પહોંચાડવા માટે ત્રીજી જૂન સુધી 4,200થી વધારે ખાસ શ્રમિક ટ્રેનો દોડાવવામાં આવી છે.તુષાર મહેતાએ જણાવ્યું કે અત્યાર સુધી એક કરોડથી વધારે શ્રમિકોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. મોટા ભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર માટે દોડાવવામાં આવી હતી.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારો કહી શકે છે કે હજુ કેટલા લોકોને તેમને ઘર પહોંચાડવાના બાકી છે, તેમજ આ માટે કેટલી ટ્રેનો દોડાવવાની જરૂર પડશે. આ મામલે હાલ સુનાવણી ચાલુ છે.
સુપ્રીમ કોર્ટે 28મી મેના રોજ આદેશ કર્યો હતો કે પ્રવાસી મજૂરોને તેમને વતન પહોંચાડવા માટે ટ્રેન અથવા બસોનું ભાડું નહીં લઈ શકાય. સાથે જ કોર્ટે એવો પણ આદેશ કર્યો હતો કે રસ્તામાં ફસાયેલા શ્રમિકોને જે તે તંત્ર મફતમાં ભોજન-પાણીને વ્યવસ્થા કરે.