વાલીઓ માટે એક ચિંતાજનક બનાવ ગુરુવારે સામે આવ્યો છે. પિતાએ સાઈકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યા બાદ વેસુના યાર્નના વેપારીના 17 વર્ષીય પુત્રએ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા ઉમરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. વેસુ ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિકાસભાઈ ઝુનઝુનવાલા યાર્નનો વેપાર કરે છે. તેમનો પુત્ર તનુશ(17) ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. ગુરુવારે વહેલી સવારે તનુશ સાઈકલ ચલાવવા માટે ગયો હતો.

સાઈકલ ચલાવવા માટે પિતાએ ના પાડતા આપઘાત…
સાઈકલ ચલાવી પરત આવેલા તનુશને વિકાસભાઈએ ઠપકો આપ્યો હતો અને સાઈકલ ચલાવવા જવાની ના પાડી હતી. દરમિયાન ગુરુવારે બપોરે તનુશે પોતાના ઘરમાં પંખા સાથે કપડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થઈ જતા તનુશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ઉમરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પિતાએ સાઈકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યો હોવાથી તેના કારણે માઠુ લાગી આવતા તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બનાવ સંદર્ભે ઉમરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.