કોરોના મહામારીના કારણે રાજયભરની શાળાઓ 300થી વધુ દિવસ બંધ રહી હતી. આ શાળાઓમાં આજથી ધો.9 અને 11ના વર્ગો પણ રાબેતા મુજબ ચાલુ થઇ ગયા છે. અગાઉ 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12 માટે સ્કૂલો શરૂ થયા બાદ હવે ધોરણઃ9 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. ધોરણ-9 અને 11ના વર્ગો ચાલુ કરવા માટે પણ સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે સૂચના અપાઈ છે. જેમાં તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાશે. આટલું જ નહીં, સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાય તે માટે હવે ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે.
માર્ચ-2020ના પ્રારંભમાં જ કોરોનાના કેસો ગુજરાતમાં આવવાથી પ્રથમ તબક્કામાં રાજ્યમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. જોકે જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ-તેમ કોરોનાના કેસો વધતા શાળાઓ બંધ રાખવાની મુદત લંબાવવામાં આવી હતી અને છેક દિવાળી વેકેશન સુધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. આમ, શાળાઓનું પ્રથમ સત્ર એક પણ દિવસ ચાલુ રહ્યા વગર જ પૂરું થઈ ગયું હતું. જે બાદ સરકારે દિવાળી વેકેશન બાદ 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દિવાળી બાદ કોરોનાના કેસો વધતા સ્કૂલો શરૂ થઈ શકી ન હતી.
જો કે બાદમાં સરકાર દ્વારા 11 જાન્યુઆરી, 2021થી માત્ર ધોરણ-10 અને 12ની સ્કૂલો શરૂ કરવામાં આવી હતી. જેના લગભગ 20 દિવસ બાદ આજથી રાજ્યની શાળામાં ધોરણ-9 અને 11ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. જેને લઈને સ્કૂલો દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ અગાઉ સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. જેમાં સ્કૂલમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતના કર્મચારીઓની ટેમ્પરેચર ગનથી ચકાસણી કરવામાં આવશે.