દુનિયામાં સોશ્યલ મીડિયાનો ઘણીવાર નેગેટીવ ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ સોશ્યિલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ પણ થાય તો કેવો ચમત્કાર થઇ શકે તેનો પરચો દિલ્હીમાં જોવા મળ્યો છે દિલ્હીમાં 1988થી ‘બાબા કા ઢાબા’ નામે નાના પાયે ફૂડ બિઝનેસ કરતાં એક વૃદ્ધ દંપત્તિની ઘરાકી લોકડાઉન બાદ તૂટી હતી. પરંતુ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ તેમને ત્યાં બીજી જ સવારે લાંબી લાઇન લાગી હતી અને અનેક ઓર્ડર મળતાં આ વૃદ્ધ દંપત્તિના ચહેરા પર હાસ્ય ફરી ખીલી ઉઠ્યું હતું.

હકીકતમાં બુધવારે ટ્વીટર પર એક વીડિયો સામે આવ્યો, જેમાં ‘બાબા કા ઢાબા’ ચલાવનાર વૃદ્ધ દંપતિએ આંસુ ભરી આંખે કહ્યું કે લોકડાઉન બાદ તેમનું કામ ઠપ્પ થઈ ગયું છે અને હવે ઢાબા પર ગણતરીના ગ્રાહકો આવે છે. રોજના 100 રૂપિયા પણ નસીબ નથી થતા. આ વીડિયોને લાખો લોકોએ લાઇક કર્યો હતો.
આ સેલિબ્રિટીઓએ પણ વિડીયો શેર કર્યો હતો…
સોનમ કપૂર, સ્વરા ભાસ્કર સહિતની અભિનેત્રીઓ તથા કેટલીય સેલિબ્રિટીઓએ તેને શેર કર્યો હતો. તેને પગલે બીજી જ સવારે આ ધાબા પર લાઇનો લાગી હતી અને તેમને અનેક ઓર્ડર મળ્યા હતા. તેમનું ક્યુઆર કોડ ધરાવતું લેબલ પણ ઓનલાઇન શેર થતાં તેના પર પણ મદદનો ધોધ વહ્યો હતો. કેટલાય લોકોએ બાબાના ઢાબા પર સ્વયંસેવક તરીકે કામ કરવાની પણ ઓફર કરી હતી.

તમારી આસપાસના નાના ફૂડ વ્યવસાયીઓની મદદ કરો
ઇન્ટરનેટની આ સાફલ્ય ગાથાને શેર કરતાં લોકોએ લખ્યું હતું કે આ વૃદ્ધ દંપતિ જેવા અનેક નાના ફૂડ વ્યવસાયીઓ તથા બીજા લોકો તમારી આસપાસ હશે. આ લોકડાઉનમાં તેમણે ભીષણ નુકસાન સહન કર્યું હશે. તેમને ત્યાં ફૂડ, કે વસ્તુઓ કે બીજી સેવાઓ પ્રાપ્ત કરી તેમને બેઠા કરવામાં મદદ કરવી જોઇએ. આ મહેનતકશ લોકો વિષમ આર્થિક સંજોગો સામે ઝઝૂમીને પ્રમાણિકતાપૂર્વક ગુજારો કરી રહ્યા છે તેમને એક ગ્રાહક તરીકે ટેકો આપવો જોઇએ.