શાળાઓ હવે 3 મહિના સુધી ફી માટે દબાણ નહીં કરી શકે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય…

કોરોના કહેર વચ્ચે લોકડાઉનમાં થોડી છૂટછાટો વચ્ચે શાળાઓ જ્યારે પોતાની મનમાની કરવા લાગી છે. ત્યારે એવામાં ફી મુદ્દે દબાણ કરતી શાળાઓ વિરૂદ્ધ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. શિક્ષણ વિભાગની ગાઇડલાઇન બાદ પણ શાળા સંચાલકો પોતાની મનમાની કરતા શિક્ષણ વિભાગે હવેથી શાળાઓને વાલીઓને 3 મહિના સુધી ફી મુદ્દે પણ દબાણ નહીં કરવાનો આદેશ આપી દીધો છે.

આજનાં દિવસે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શાળા, કોલેજો શરૂ કરવા મામલે તેમજ ફીની ઉઘરાણીનાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળા સંચાલકો વિરૂદ્ધ શિક્ષણ વિભાગે કડક આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગની બેઠકમાં સ્કૂલો દ્વારા પુસ્તકો અને ટ્રાસ્પોટેશનની લેવાતી ફી અંગે ચર્ચા થઇ હતી. તદુપરાંત શિક્ષણ વિભાગનાં બજેટમાં કાપ મુકવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી.

શિક્ષણ સચિવ વિનોદ રાવે તમામ જિલ્લાનાં DEOને આદેશ આપતા કહ્યું કે,

“શાળાઓમાં સ્ટેશનરી વેચતા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. 3 મહિના સુધી ફી મુદ્દે પણ દબાણ નહીં કરી શકાય. વાલીઓ માસિક હપ્તાથી ફી ભરી શકશે. શિક્ષણ વિભાગ સતત ખાનગી શાળાઓ પર નજર રાખશે. જ્યારે કોઇ શાળા વાલીઓ પર દબાણ કરે તો તે વાલી સરકારને ફરિયાદ કરે છે.”

શિક્ષણ સચિવ વિનોદ રાવે સ્કૂલોને ફી ઉઘરાવવા મામલે કહ્યું કે,

“જો કોઈ શાળા દ્વારા ફી ઉઘરાવવામાં આવશે તો તેમની વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવશે. કોઈ પણ શાળા આ પ્રકારની ઉઘરાણી નહીં કરી શકે. જો કોઈ શાળા ઉઘરાણી કરતી નજરે આવશે તો તે શાળા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કેટલાંક વાલીઓ ફી ભરી શકે એવાં હોય તો તેઓ ફી ભરી શકે છે. પરંતુ ફી ભરી શકે તેવા ન હોય તો તેવાં વાલીઓ પર દબાણ ન કરવું. કોઈ પણ શાળા જો વાલીઓ પાસેથી સ્કૂલ યુનિફોર્મ કે સ્ટેશનરી સ્કૂલમાંથી લેવા પર દબાણ કરશે તો તે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે.”

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ગઇ કાલનાં રોજ કહ્યું હતું કે,

“હવે કોઇ પણ સ્કૂલ સંચાલક ફી માટે વાલીઓ ઉપર દબાણ નહીં કરી શકે. આ સાથે જ કોઇ પણ શાળા કોઇની માર્કશીટ કે લિવિંગ સર્ટી (LC) પણ અટકાવી નહીં શકે. સ્કૂલોએ સરકારે આપેલા આદેશોનું સખ્ત રીતે પાલન કરવું પડશે.”

આ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,

“ચાલુ વર્ષની ફીમાં કોઇ પણ રીતે વધારો નહીં થાય. ત્રિમાસિક ફીને બદલે વાલીઓ માસિક ફી ભરી શકશે. તદુપરાંત સ્કૂલો ખોલવા મામલે જણાવ્યું કે, 15 ઓગસ્ટ સુધી શાળાઓ સત્તાવાર રીતે બંધ જ રહેશે. ફીમાં કોઇ પણ પ્રકારની બાદબાકી કરવામાં નહીં આવે.”

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સપ્ટેમ્બર સુધી ફી ન ઉઘરાવવા માટે જણાવ્યું હતું. છતાં શાળાનાં સંચાલકો સરકારનાં નિયમોને નેવે મૂકીને પોતાની મનમાની ચલાવીને કોરોના કહેર વચ્ચે પણ વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી સ્કૂલોની ફીની ઉઘરાણી કરી રહી છે.

તમને જણાવી દઇએ કે અમદાવાદમાં સોમલલિત, યુરો સ્કૂલ, આનંદનિકેતન અને DPS સ્કૂલ સહિત રાજ્યની કેટલીક શાળાઓ દ્વારા ફીની કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.