ભારતમાં કોરોના કેસોનો વિસ્ફોટ થતાં ઓસ્ટ્રેલિયા તેમજ યુરોપિયન દેશોએ ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે ત્યારે હાલમાં ફક્ત અમેરિકાએ હજી સુધી કોઈ નિયમ લાગુ કર્યો નથી. એર ઇન્ડિયામાં ટિકિટોમાં થતાં કાળા બજાર યથાવત્ છે ત્યારે એર ઇન્ડિયાને કરોડોનો બિઝનેસ આપતા કેટલાક માનીતા એજન્ટો એર ઇન્ડિયાના ચાર્ટર્ડ ફ્લાઈટ ઓપરેટ કરી પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડા વસૂલી રહ્યા છે.
આગામી ૪ મેના મુંબઈથી નેવાર્ક માટે ઓપરેટ થનારી એર ઇન્ડિયાની ફ્લાઇટનું વન-વે ભાડું ૧.૭૫ લાખ જ્યારે બિઝનેસ ક્લાસનું ૨. ૬૫ લાખ રૃપિયા જેટલું અધધ વસૂલવામાં આવી રહ્યું છે. આમ, કોરોનાની ચાલી રહેલી મહામારી વચ્ચે સરકારે મદદ કરવાના બદલે પ્રવાસીઓ પાસેથી વસૂલાતા બેફામ ભાડા પર કોઈ નિયંત્રણ ન હોવાથી ચાર્ટર્ડ ઓપરેટ કરનાર એજન્ટોને મોકળું મેદાન મળી ગયું છે.
‘વંદે ભારત’ મિશન હેઠળ એર ઇન્ડિયા વિવિધ દેશોમાં સ્પેશિયલ ફલાઇટ ઓપરેટ કરી રહી છે. તેમ છતાં એર ઇન્ડિયા એ જાણે લૂંટ ચલાવી હોય તેમ મુસાફરો પાસેથી ડબલ થી ત્રણ ગણા ભાડા વસુલાતા હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. જેમા દિલ્હીના કેટલાક એજન્ટો દ્વારા ટિકિટોના કાળા બજાર થતા હતા અને આખી તપાસમાં પણ ભીનુ સંકેલી દેવામાં આવ્યું.
આમ, સરકારી કેરિયર હોવા છતાં મુસાફરોને રાહત આપવાના બદલે મજબૂરીના સમયમાં જાણે લૂંટવાનો પરવાનો મળી ગયો હોય તેમ ભાડામાં કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. આટલું ઓછું હોય તેમ હવે એર ઇન્ડિયાએ પોતાના એરક્રાફ્ટ કેટલાક માનીતા એજન્ટોને ચાર્ટર્ડ માટે ઓપરેટ કરવા આપ્યા છે.