ભારત ચીન સરહદ પર હાલ તણાવભરી સ્થિતિ ચાલી રહી છે તેને જોતા આગામી દિવસોમાં ભારત અને ચીન વચ્ચેના વેપારિક સબંધોને મોટી અસર પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે. દેશભરમાં અલગ-અલગ ક્ષેત્રોમાં ચીનના માલનો વપરાશ થાય છે, જે હવે આગામી દિવસોમાં બહિષ્કાર કરી સ્વદેશી માલ અપનાવવો પડશે.
ત્યારે રાજકોટ સાથે પણ ચીનનો નાતો રહેલો છે.રાજકોટની શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે પણ અન્ય ઉદ્યોગકારોને સ્વદેશી માલ વાપરવા અપીલ કરી છે. ઉદ્યોગકારોમાં અવેરનેસ આવે તે માટે ઔદ્યોગિક વસાહતના સ્ટીકર લગાવવામાં આવ્યા છે અને સ્વદેશી અપનાવવાની પત્રિકાઓ પણ છપાવવામાં આવી છે.
સાથે જ આગામી દિવસોમાં જે માલ કે કેમિકલ ચીનથી મંગાવવામાં આવે છે તે હવે સ્થાનિક લેવલે ઉત્પાદન કરવા પણ અપીલ કરાઈ છે. જે રીતે અન્ય દેશો અને ખાસ કરીને ચીન જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેમાંથી મોટાભાગની વસ્તુઓ ભારતમાં પણ ઉત્પાદન થઇ રહી છે અને ચીન કરતા ભારતના ઉત્પાદનની ક્વૉલિટી પણ ખુબ સારી હોઈ છે જેથી લોકોએ અને ખાસ કરીને વેપારીઓએ પણ ભારતમાં બનતી વસ્તુ જ ખરીદવાનો આગ્રહ રાખવો પડશે.
સાથે જ જો વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વસ્તુઓ ચીન કરતા પણ સારી રીતે ભારતમાં ઉત્પાદિત કરી શકાય છે.ચીન સાથે હરીફાઈમાં ઉભા રહી શકે તેવા અનેક કારખાનાઓ રાજકોટમાં છે. ખાસ કરીને ઓટો પાર્ટ્સ, એરોસ્પેસના પાર્ટ્સ પણ દુનિયાની સરખામણીમાં રાજકોટમાં સારા ઉત્પાદન થાય છે. આ ઉપરાંત કિચનવેરનું ખુબ મોટું એક્સપોર્ટ ચીનથી થાય છે. જો આ એક્સપોર્ટ બંધ થાય તો સ્થાનિક એકમોને વધુ ફાયદો થશે અને નાના મોટા બંધ ઉદ્યોગો ફરી ધમધમતા થશે.
હાલની પરીસ્થિત મુજબ મોટા ભાગના દેશોમાં ચીન અને ભારતની વસ્તુઓની ખરીદી થઇ રહી છે અને ભારતમાં મોટાભાગની વસ્તુઓ રાજકોટમાં ઉત્પાદિત થઇ રહી છે, ત્યારે સીધી રીતે ચીનની સરખામણીમાં રાજકોટની વસ્તુઓ આવે છે. થોડા સમયથી ચીનનો વિરોધ અન્ય દેશો કરી રહ્યા છે તો સાથે જ ચીનએ તેની વસ્તુઓના ભાવોમાં વધારો કર્યો છે. જેથી આ તમામ વસ્તુઓ ચીનની સરખામણીમાં ભારતથી મંગાવવી સસ્તી પડી રહી છે જેથી રાજકોટના ઉદ્યોગોમાં સારી એવી અસર વર્તાઈ રહી છે.