કોરોનાના કહેરના લીધે રાહુલ ગાંધીએ સ્થગિત કરી બંગાળની રેલીઓ..!!બીજા નેતાઓને પણ કરી અપીલ…

કોરોના સંક્રમણની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે બંગાળમાં પોતાની ચૂંટણી રેલીઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે બીજા નેતાઓને પણ આવું કરવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી આ અંગે જાણકારી આપી હતી.

કોરોના મહામારી દરમિયાન થઇ રહેલી ચૂંટણી જાહેરસભાઓમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. રેલીઓમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા અતિ મહત્વના નિયમોનું પાલન થતું ન હોય, તેવી તસવીરો સામે આવતી હોય છે. જાહેરસભાઓની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. નેતાઓની જાહેરસભાઓમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં જોવા મળે છે.

ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, કોરોનાની સ્થિતિને પગલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પોતાની જાહેરસભાઓને સ્થગિત કરું છું. સાથે જ તેમણે અન્ય રાજકીય પાર્ટીઓને અપીલ કરતાં કહ્યું કે, હું તમામ રાજકીય નેતાઓને સલાહ આપું છું કે તે હાલની પરિસ્થિતિઓમાં જંગી જાહેરસભાઓના આયોજનના પરિણામો વિશે ઊડાણપૂર્વક વિચાર કરે.

નોંધનીય છે કે, દેશમાં કોરોના મહામારીની બીજી લહેર બેકાબૂ બનતી જાય છે. દરરોજ કોરોનાના નવા કેસો રેકોર્ડ કરી રહ્યાં છે. રવિવારે સતત ચોથા દિવસે બે લાખથી વધુ કેસ નોંધાયા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૬૧,૫૦૦ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૧૫૦૧ લોકોનાં મોત નિપજ્યાં છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *