સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો

પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૮ દિવસના વિરામ પછી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગઇકાલથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ફેરફાર કરવાનું શરૂ કર્યુ છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતાં. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે એક લિટર પેટ્રોલના ભાવમાં ૧૯ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૨૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ દેશની રાજધાનીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૦.૭૪ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૧.૧૨ રૂપિયા થઇ ગયો છે. દેર રાજ્યમાં વેટના દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભિન્ન ભિન્ન જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે એક લિટર પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૧૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.


ભારતમાં કોરોનાના કેસો વધ્યા હોવા છતાં અમેરિકા સહિતના પશ્ચિમના દેશોમાં મજબૂત માગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે. જેના પગલે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની ફરજ પડી છે.

૨૭ એપ્રિલથી ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યાં છે અને હાલમાં એક બેરલનોૌ ભાવ ૬૫ ડોલર થઇ ગયો છે.

ગયા વર્ષે માર્ચમાં સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયુટી વધારી ત્યારથી લઇને અત્યાર સુધી સરકારી ઓઇલ કંપનીઓ આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલે પેટ્રોલમાં કુલ ૨૧.૫૮ રૂપિયા અને ડીઝલમાં કુલ ૧૯.૧૮ રૂપિયાનો વધારો કર્યો છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.