દાદાના નામથી પ્રખ્યાત ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય છે. તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. પાટીદાર સમાજના મજબુત પકડ ધરાવતા નેતા છે. તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતા. 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી. 1987 થી ભાજપ સાથે સંકળાયેલા છે ભુપેન્દ્ર પટેલ.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય હોવાની સાથે ભૂપેન્દ્ર પટેલની સંગઠન પર પકડ પણ મજબૂત છે. આ સાથે જ તેઓ ગૃહમંત્રી અમિત શાહના પણ ખાસ ગણાય છે. કહેવાય છે કે, કોર કમિટીની મીટિંગમાં વિજય રૂપાણીએ જ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનુ અન્ય ધારાસભ્યોએ સમર્થન આપ્યુ હતું. જેના બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી.
પાટીદારોમાં ભૂપેન્દ્ર પટેલ મજબૂત નામ ગણાય છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના પાંચમાં પાટીદાર સીએમ છે. પાટીદારોને મનાવવા માટે ગુજરાતમાં પાટીદાર સીએમ લાવવા જરૂરી બન્યા હતા, જેથી પોતાની વોટબેંક સાચવવા આખરે મોદી-શાહને પાટીદાર સીએમની જાહેરાત કરવી પડી હતી.