કોરોના ટેસ્ટ લેબની માંગણી સાથે ધરણા પર બેસેલા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સવારે અમરેલી સિવિલ ખાતે પ્રતિક ઉપવાસ પર બેસ્યા હતા. કોરોના ટેસ્ટ લેબ મામલે પરેશ ધાનાણી (Paresh Dhanani) એ હોસ્પિટલ બહાર જ ધરણા કર્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ધરણા પર બેસે તે પહેલા જ સિટી પોલીસે તેઓની અટકાયત કરી હતી. પરેશ ધાનાણી રાજુલા અને સાવરકુંડલામા કોવિડ હોસ્પિટલની માંગ કરી રહ્યાં છે.

અમરેલીમાં કોરોના લેબની માંગ મામલે આજે રવિવારથી નેતા વિપક્ષ ધરણા કરશે તેવી તેઓએ જાહેરાત કરી હતી. કોરોનાના કહેરમાં સુરતથી અમરેલી તરફ ધસારો વધ્યો છે. પરેશ ધાનાણીએ આ મામલે કહ્યું હતું કે, પહેલા સુરતથી પેસેન્જર આવતા હતા, હવે પેશન્ટ આવે છે. એક અઠવાડિયામાં અમરેલીની હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી છલકાઈ જશે. સરકાર અમરેલીને કોરોના ટેસ્ટીંગ લેબ આપવામાં ઓરમાયું વર્તન કરી રહી છે. બે દિવસમાં કોરોના લેબ નહીં મળે તો રવિવારથી હું ધરણા કરીશ. રાજુલા સાવરકુંડલાની હોસ્પિટલને અપગ્રેડ કરવા વિપક્ષના નેતાએ સરકારી પાસેથી માંગ કરી છે.

અમરેલી જિલ્લાને અન્યાય થઇ રહ્યો હોવાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકીય ગણાવ્યા હતા. લેબોરેટરી ચાલુ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી જરૂરી હોવા છતાં હજુ સુધી અમરેલીની હોસ્પિટલ લેબોરેટરીને કોરોના ટેસ્ટિંગ માટેની મંજુરી માટેની અરજી પણ કરી નથી. ધારી વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી હોવાના કારણે રાજકીય લાભ ખાંટવા માટે પરેશ ધાણાની આ મુદ્દો ઉપાડ્યો હોવાની વાત પણ નાયબ મુખ્યમંત્રીએ કરી હતી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *