શાસ્ત્રો માં ‘ગુ’ શબ્દનો અર્થ છે અંધકાર અને ‘રુ’ શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરુ છે.
મનુષ્યનો પ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

ગુરૂ નો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ, જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે,પણ તમારા સ્થાન પર ઉભી છે, તમારી પાસે છે. થોડુક ઋણ શરીર પ્રત્યે તેનુ બાકી છે. તેને ચુકવવાની પ્રતીક્ષા છે, સમય ખૂબ થોડો છે.ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.
ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે. હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “
અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.

એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય.ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.