ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે મોબાઇલ નમ્બરિંગ સ્કીમમાં કોઈ પરિવર્તન નહીં કરવામાં આવે. ટ્રાઇએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે તેણે ડાયલિંગ પેટર્નમાં થોડો ફેરફાર કરવાની ભલામણ કરી છે. તો જાણીએ ટ્રાઇની ભલામણ બાદ શું બદલાશે અને શું નહીં?
આ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે મોબાઇલ નંબર બદલીને 10માંથી 11 આંકડાનો કરવામાં આવી શકે છે.ટ્રાઇએ મોબાઇલ માટે 11 આંકડાના નમ્બરિંગની યોજનાની ભલામણ નથી કરી. ટ્રાઇએ કહ્યું છે કે તેણે મોબાઇલ માટે 11 આંકની નમ્બરિંગ સ્કીમને સ્પષ્ટ રીતે રદ કરી નાખી છે.ભારતમાં મોબાઇલ માટે 10 આંકડાની સ્કીમ ચાલુ રહેશે.

TRAIએ ફિક્સ્ડ લાઇનથી કૉલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ ‘0’ લગાવવાની વાત કરી છે. હાલમાં ફિક્સ્ડ લાઇન કનેક્શનમાં ઇન્ટર-સર્વિસ એરિયા મોબાઇલ કૉલ્સ માટે મોબાઇલ નંબર પહેલા ‘0’ લગાવવો પડે છે. જ્યારે મોબાઇલમાંથી લેન્ડલાઇન પર ‘0’ લગાવ્યા વગર કોલ કરી શકાય છે.
ટ્રાઇનું કહેવું છે કે ડાઇલિંગ પેટર્નમાં આ બદલાવ ભવિષ્યની જરૂરીયાતને પૂરી કરવા માટે છે, જેનાથી મોબાઇલ સેવાઓ માટે 2544 મિલિયન વધારાના નંબર ઉપલબ્ધ થઈ શકશે.

ટ્રાઇએ પોતાની ભલામણમાં કહ્યું છે કે ફિક્સ્ડ-ટૂ-ફિક્સ્ડ, મોબાઇલ-ટૂ-ફિક્સ્ડ અને મોબાઇલ-ટૂ-મોબાઇલ કૉલ્સ માટે ડાયલિંગ પ્લાનમાં કોઈ પરિવર્તન કરવાની જરૂર નથી.
મોબાઇલ નંબરને 11 આંકડાનો કરવાની ભલામણ દરમિયાન મોટાભાગના દૂરસંચાર ઑપરેટરોએ મોબાઇલ નંબરોને 11 આંકનો કરવાનો વિરોધ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે મોબાઇલ નંબર 11 આંકડાનો કરવાથી સૉફ્ટવેર અને હાર્ડવેરમાં મોટાપ્રમાણમાં ફેરફાર કરવાની જરૂર પડશે.
પરિણામસ્વરૂપ વધારે ખર્ચ કરવો પડશે. સાથે જ ગ્રાહકો માટે અસુવિધા અને મૂંઝવણની સ્થિતિ ઊભી થશે.