નવસારી કૃષિ વિશ્વવિધાલય ખાતે ભારત સરકાર પુરસ્કૃત અને વિશ્વ બેંક અનુદાનિત NAHEP-CAAST સબપ્રોજેક્ટ અંતર્ગત “બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની આધુનિક તકનીકો” વિષય પર ગુજરાત સરકારના બાગાયત ખાતાના અધિકારીઓ/કર્મચારીઓ માટેનો ખાસ ત્રણ દિવસીય ઓનલાઈન તાલીમ કાર્યક્રમનો શુભારંભ તારીખ ૦૧ જુલાઇના રોજ કરવામાં આવેલ હતો.
જેમાં ૪૫ જેટલા ગુજરાત સરકારના બાગાયત ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભ નવસારી કૃષિ વિશ્વવિધાલયના માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના કૃષિ, ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગના બાગાયત નિયામકશ્રી, ડૉ. પી. એમ. વઘાસીયા, અતિથિ વિશેષ તરીકે નવસારી કૃષિ વિશ્વવિધાલયના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. સી. કે. ટીંબડીયા અને સંશોધન નિયામકશ્રી ડૉ. એસ. આર. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલે તાલીમ કાર્યક્રમની શરૂઆત કરતાં બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનનું મહત્વ અને ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગની મહત્વતા પર ભાર મુક્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગની હાલમાં ખુબ જ જરૂરીયાત છે અને આ ઉદ્યોગ “સનરાઈઝ ઉદ્યોગ” કહેવાય છે. તેમજ, સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે અને દેશના GDPમાં પણ ખુબ જ મહત્વનો ફાળો આપે છે. વધુમાં તેમણે ભેગા મળીને આ ઉદ્યોગના વિકાસ માટે કામગીરી કરવા માટે હાકલ કરી હતી. સંશોધન નિયામકશ્રી ડૉ. એસ. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધનની ખુબ જ તકો રહેલી છે
અને ખેડૂતોને આ માટે પ્રોત્સાહન આપવું જોઈએ. બાગાયત નિયામકશ્રી ડૉ. પી. એમ. વઘાસીયાએ તાલીમાર્થીઓને ટેકનોલોજી ગુજરાતના ખેડૂતો સુધી પહોચાડવા માટે પ્રયત્નો કરવા પર ભાર મુકવા જણાવ્યું જેથી કરીને વધુને વધુ ખેડૂતો સુધી લાભ પહોચી શકે અને ખેડૂતો પોતાની પેદાશોનું મૂલ્યવર્ધન કરી વધુ કમાણી કરી શકે. આ ઉપરાંત, સહ સંશોધન નિયામક અને નાહેપ-કાસ્ટ પેટા પ્રોજેક્ટના વડા, ડૉ. ટી. આર. અહલાવતે તાલીમ કાર્યક્રમ અને પ્રોજેકટના હેતુઓ વિષે વિસ્તૃત અહેવાલ આપ્યો હતો.
ડૉ. દેવ રાજે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આપ્યું અને દરેક મહાનુભાવોનું સ્વાગત કરીને નિષ્ણાતોનો પરિચય આપ્યો હતો. ડૉ. જીલેન મયાણીએ અંતમાં આભારવિધિ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.