ભગવાન કૃષ્ણ પર કરેલા નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
મોરારિબાપુ જ્યારે બેઠા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો હતો. મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા તેમને બચાવી લેવાયા હતા. મહત્વનું છે કે, સાસંદ પૂનમબેન માડમ સહિત આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કથાકાર મોરારિબાપુએ ભગવાન કૃષ્ણ અંગે એક કથામાં વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આથી આહીર સમાજ સહિત લોકોમાં મોરારિબાપુ સામે રોષે ભરાયા હતા. આહીર સમાજની માંગ હતી કે મોરારિબાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે. આથી મોરારિબાપુ આજે દ્વારિકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા.મોરારિબાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. આ સમયે પબૂભા અચાનક આવ્યા હતા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પૂનમ માડમે વચ્ચે પડીને મોરારિબાપુને બચાવી લીધા હતા.
પૂનમ માડમ મોરારિબાપુની બાજુમાં જ બેઠા હતા. પબૂભા હુમલો કરવા દોડ્યા કે પૂનમ માડમે તેમને રોકી રાખ્યા અને બાદમાં એક યુવાને પબૂભાને બહાર લઇ ગયા હતા.
દ્વારકાધીશમાં માફી માગ્યા બાદ મોરારિબાપુએ કહ્યું કે, હું જે બોલ્યો છું તેનાથી ઘણા લોકોની લાગણી દુભાઇ છે. જેને-જેને મારાથી પીડા થઇ છે તેની મેં વ્યાસપીઠ પરથી માફી માગી છે.
હું દ્વારકા તો આવતો જ હોવ છું, ત્યારે આપણા સમાજની એકતા જળવાય રહે તે માટે હું ઠાકોરજીના દર્શને આવ્યો છું, તેમના દર્શનનો લાભ મળ્યો છે. સૌનો આભાર.