સ્થળાંતર : માર્કેટની સાથે માનસિકતાનું પરિવર્તન પણ અત્યંત જરૂરી : વિપુલ સાચપરા

હમણાં સોશિયલ મીડીયામાં વાયરલ થયેલો “ સૌ ચાલો સુરત જઈએ”નો મેસેજ વાંચીને એક સુરતવાસી તરીકે આનંદ થયો . જેમાં હીરાનાં કારોબારીઓ- ઉદ્યોગકારો માયાવી મુંબઈની મોહજાળ છોડીને સુરતમાં પધારો એવો સંદેશ આપવા માં આવ્યો હતો. હીરાનગરી તરીકે વિખ્યાત સુરતના ખુબ સુરત વિસ્તાર ખજોદમાં ઉદ્યોગનું સૌથી મોટું સુરત ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું છે.

તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી ત્યારે તેમણે પણ જણાવ્યું કે બુર્સ આ વર્ષમાં ધમધમતુ થઈ જશે. દેશ અને દુનિયાની મોટાભાગની કંપનીઓના સુરત ડાયમંડ બુર્સમાં આગમનનાં એંધાણ થઈ રહ્યા છે. આ બુર્સ ધમધમતુ થતાની સાથે જ દેશ અને દુનિયામાં થી હીરાની ખરીદી માટે બાયર્સો સુરત આવતા થશે. જેથી સુરત ડાયમંડ બુર્સ સમગ્ર ઉદ્યોગ માટે એક મોટું હબ બની જશે એવો આશાવાદ પ્રવર્તી રહ્યો છે, અત્યંત મહત્વાકાંક્ષી ગણાતો આ પ્રોજેકટ રાજ્ય માટે આર્થિક પરિવર્તન લાવનારો સાબિત થશે. આ બુર્સ ની સાથે બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ BKC ની જેમ ડ્રિમ સીટી પણ આકર લેશે.

જેમાં સેવન સ્ટાર હોટલ, રેસ્ટોરેન્ટ , સ્કુલ, હોસ્પિટલ,કોર્પોરેટ ઓફિસો,બેંક, ગોલ્ફ કોર્સ,મેટ્રો ટ્રેન,ટેક્સટાઇલ યુનિવર્સિટી સહીતની વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. 10 હજાર ઓફિસો સાથે 66 લાખ સ્ક્વેર ફૂટમાં પંચતત્વની થીમ પર તૈયાર થઈ રહેલુ આ બુર્સ કાર્યરત થતાની સાથે જ મુંબઇનો હજારો કરોડોનો ડાયમંડ અને જ્વેલરીનો બિઝનેસ સુરતમાં સ્થળાંતર થવાની સંભાવના છે.

મુખ્ય ઓફિસો મુંબઈથી સુરત સ્થળાંતર થશે :

સામાન્ય રીતે વિશ્વમાં દરેક સ્થળે જોવા મળે છે કે જ્યા જે ચીજનું ઉત્પાદન થતુ હોય તે સ્થળે તેનું મુખ્ય માર્કેટ હોય છે. વિશ્વના 10 પૈકી 9 હીરાનું કટિંગ અને પોલીશીંગનું કામ સુરતમાં થાય છે. પરંતુ સુરત હીરા ઉદ્યોગનું હબ હોવા છતાં મોટા ભાગની ડાયમંડ કંપનીઓની મુખ્ય ઓફિસો મુંબઈમાં છે. હવે આ મુખ્ય ઓફિસો મુંબઈથી સુરત સ્થળાંતર થશે ત્યારે મુંબઈ અને સુરતની માર્કેટમાં રહેલા તમામ સભ્યો એક નેજા હેઠળ એકઠા થશે.

આ એકીકરણમાં જો માનસિકતા એક થશે તો વધુ સારી અને સરળ રીતે આ મર્જરનો ઉદ્દેશ સિદ્ધ થશે. બુર્સ અપેક્ષાથી પણ વધુ ખુબ સારી રીતે બની રહ્યું છે. ત્યારે તેને સફળ બનાવવાની જવાબદારી આપણાં સૌની છે.આ તકે મુંબઈમાં કારોબાર કરતા સભ્યોને એટલું જ કહેવાનું કે ગુજરાત તમારી માતૃભૂમિ છે. જેથી કર્ણભૂમિ જેવી સુરતની માતૃભૂમિને કર્મભૂમિ તરીકે પ્રસ્થાપિત કરવાનો જ્યારે અવસર પ્રાપ્ત થઈ રહ્યો હોય ત્યારે વિલંબ કર્યા વિના માતૃભૂમિના સાદને સકારાત્મક પ્રતિસાદ આપી તેને સાકાર કરજો.

સુરત હંમેશા સહુને મીઠો આવકાર આપી પોતાનામાં સમાવી લે છે :

મુંબઈથી માર્કેટ જ્યારે સુરતમાં સ્થળાંતર થશે ત્યારે રોજગારીના સોનેરી અવસરો પ્રાપ્ત થશે. મુંબઈમાં જે નાના વેપારીઓ દલાલભાઈઓ કે ઓફિસ સ્ટાફના સભ્યો છે તેઓ અડધા ખર્ચમાં સુરતમાં પરિવાર સાથે ખુબ જ સારી રીતે જીવનનિર્વાહ ચલાવી જીવનનો આનંદ માણી શકશે. મુંબઈની સરખામણીએ સુરતમાં મેડિકલ અને એજ્યુકેશન ખુબ સસ્તું અને ઉત્તમ છે. સાથે સામાજીક જીવન ધોરણ પણ મુંબઈ કરતા સારૂ છે.

આપનાં ભવિષ્યનાં તમામ સ્વપ્નાઓ સાકાર કરવાની શક્તિ આ સુરતની પવિત્ર ભૂમિમાં રહેલી છે. અહીંની સુવિધાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આપનાં બાળકોની તમામ શૈક્ષણિક સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.આપને આપના બાળકો અને પરિવાર અંગે સુરતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી . જ્યારે સુરત હંમેશા સહુને મીઠો આવકાર આપી પોતાનામાં સમાવી લેતું હોય ત્યારે આપ પણ માર્કેટની સાથે માન સિકતાનાં પરિવર્તનમાં સાથ સહકાર આપશો જ એવો વિશ્વાસ છે.

સુરત અને મુંબઈની ડાયમંડ માર્કેટ વચ્ચે છે મોટો તફાવત :

સુરત અને મુંબઈની ડાયમંડ માર્કેટની તફાવતનું વિશ્લેષણ કરતા સારાંશ એટલો નીકળે છે કે લુઝ ડાયમંડ માટે મુંબઈ એક વૈશ્વિક માર્કેટ છે તો સુરત મેન્યુફેક્ચરિંગ હબ છે. મુંબઈની માર્કેટ બાયર મુજબ ચાલે છે તો સુરતનું માર્કેટ સેલર મુજબ ચાલે છે. મુંબઈનું માર્કેટ એસોટેર્ડ નંબરો પર ચાલે છે. વળી બાયરને જે ક્વોલિટી,કટિંગ,સાઈઝ આર્ટિકલ્સનો જેટલો જથ્થો જોઈએ તેટલો મુંબઈમાં મળી રહે છે. જ્યારે સુરતનું માર્કેટ મિક્સ અને ગાળા રેન્જમાં હોલસેલ રીતે ચાલે છે. સુરતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નામ ધરાવતા યુનિટો પોતાના આર્ટિકલ્સનાં વ્યવસ્થિત નંબરો કરી મુંબઈની માર્કેટમાં વેચે છે.

મુંબઈમાં બાયર નિયમિતપણે જે આર્ટિકલ્સ લે છે એની ગુણવત્તા એને એક સરખી જોવા મળે છે. વળી તેનો ભાવ તાલ પણ વધારે કરવો પડતો નથી . જ્યારે તેનાથી તદ્દન વિપરીત સુરતમાં જેઓ તૈયાર મિક્ષ માલનું વેચાણ કરે છે, એમની પાસે અલગ અલગ પ્રકારના રફ હીરા આવતા હોવાથી નિયમિત પણે એક ગુણવત્તા વાળો આર્ટિકલ્સ મળતો નથી . જેથી દરેક વખતે નવો ભાવતાલ કરવો પડે છે. દરેક વખતે નવો માલ, નવો ભાવ, નવી વાત કરવાની રહે છે . જેનાથી એક તંદુરસ્ત માર્કેટનું નિર્માણ થતું નથી. માર્કેટ હંમેશા એવું તંદુરસ્ત હોવું જોઈએ જેમાં 3 ટકાના અંતરે વેચો તો મળવું જોઈએ અને લઈએ તો વેચાવું પણ જોઈએ.

સુરતમાં તૈયાર હીરાનો વેપાર ક્યારેક તરત થઈ જાય છે, નહીંતર મોટો ફરક રહી જાય છે. વેચનાર જેમ ચાન્સ શોધતો હોય છે એમ ખરીદનાર પણ ચાન્સ શોધે છે. જેથી બિઝનેસમાં સારા વાતાવરણનું નિર્માણ થતું નથી.સુરત ભલે લુઝ ડાયમંડ માં મેન્યુફેક્ચરિંગ હબ હોય પરંતુ આજ સુધી તે વિદેશનાં બાયરોને કાયમી રીતે આકર્ષી શક્યું નથી. એ પણ સત્ય હકીકત અને વરવી વાસ્તવિકતા છે. જેના માટે બાયર્સને અનુરૂપ બિઝનેસની વાત અને વાતાવરણની કમી મુખ્ય નકારાત્મક પરિબળ છે.

સુરતમાં કારખાનેદાર જેઓ તૈયાર માલ વેચે છે, તેઓ પડતર પર અમુક ફિક્સ નફો ગણવાના બદલે તૈયાર હીરાના ભાવની ઓફર્સ કઢાવવાની વૃત્તિ ધરાવે છે. ત્યારબાદ જે વેપારી પાસેથી સારી ઓફર આવી હોય તેને માલનું વેંચાણ કરે છે. આ સિસ્ટમની તકલીફ એ છે કે માર્કેટ જ્યારે સારૂ હોય ત્યારે વાંધો નથી આવતો.પંરતુ ખરાબ થાય ત્યારે પોસાતું હોવા છતાંય શરૂઆતની ઓફર્સ ચુકાઈ જાય છે. નિર્ધારીત વ્યાજબી નફાના બદલે ઉંચો ભાવ લેવાની લ્હાયમાં નિયમિત બાયરને સાચવી નહી શકતા નજીવા વધુ નફાની લાલચમાં આડેધડ વ્યાપાર કરે છે. પરિણામે ઘણી વખત પેમેન્ટ મળવા પર પ્રશ્નચિહ્ન લાગી જતું હોય છે.

મુંબઈમાં નિર્ધારીત નફાથી વધુ ભાવ કહેવાની પ્રથા નથી, જ્યારે સુરતમાં ઓછો ભાવ કહેવાની પ્રથા નથી. સુરતમાં તૈયાર હિરા વેંચતા કારખાનેદારોને એવી ભીતી હોય છે કે નવી રફ ગરમ આવશે. જેથી તેઓ તૈયાર માલનો ભાવ વધારે કહે છે. દલાલ ભાઈઓ પણ કારખાનેદારોને મહત્તમ ભાવ અપાવવા પ્રયત્નશીલ રહે છે.જેની પાછળ દલાલ ભાઈઓનું એવુ ગણિત હોય છે કે જો વધારે ભાવ અપાવીશુ તો બીજી વખત પણ પાર્ટી માલ વેચવા ફરીથી તેમને જ આપશે.

આપણાં સહુનાં સપના સમાન સુરત ડાયમંડ બુર્સનું 85 ટકા કામ પુરું થયેલ છે. બુર્સનું દીવાળી પછી ઉદ્દઘાટન થાય એવો આશાવાદ સહુ કોઈ વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસીડેન્ટ વ્લાદિમિર પુતીન હાજરી આપે તેવાં પ્રયાસો પણ ઉદ્યોગકારો દ્વારા થઇ રહ્યાં છે.

ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી આગવી ઓળખ બનાવનાર ગુજરાતમાં હવે એ જ રીતે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ હબ બનશે. એમાં પણ જો માર્કેટની સાથે સભ્યોની માનસિકતામા પરિવર્તન થશે અને સહુ હળશે મળશે તો સોનામાં નિઃસંદેહ સુગંધ ભળશે.

Article Credit: Diamond Times And Vipul Sachapara

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *