બારડોલી તાલુકાના નાંદીડા ચોકડી નજીક બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ગ્લાસના વેપારી પર ફાયરિંગ કરી હત્યા કરી દેતાં ચકચાર મચી ગઈ હતી. વેપારીને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ સુરત રેન્જ આઈ.જી. અને જિલ્લા પોલીસ વડા પણ બારડોલી આવી પહોંચ્યા હતા. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
બારડોલીના હનુમાન ગલીમાં રહેતો નિખિલ સુધીર સિંગાડીયા (પ્રજાપતિ)(ઉ.વર્ષ 34) બારડોલી તાલુકાનાં તેન ગામની સીમમાં નાંદીડા ચોકડી ખાતે શ્રી રામ ગ્લાસ નામે દુકાન ચલાવતો હતો અને ગ્લાસ પેંટિંગ, પીવીસી ડોર, એલ્યુમિનિયમ સેક્શન સહિતની કામગીરી કરતો હતો.
ગુરુવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ નિખિલ પોતાની પત્નીની દવાખાને લઈ ગયો હતો અને ત્યાં સોનોગ્રાફી કરાવી ઘરે મૂકી આવ્યા બાદ બાઇક પર પોતાની દુકાન તરફ જઇ રહ્યો હતો તે સમયે એક મોટર સાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેને રોકી તેના પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. નાંદીડા જતાં રોડ પર તે બાઇક સાથે નીચે પટકાયો હતો. જ્યારે બાઇક પર આવેલા શૂટર નાંદીડા તરફ નાસી છૂટ્યા હતા.
સ્થાનિકોએ તાત્કાલિક નિખિલને 108 એમ્બ્યુલન્સ મારફતે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ બારડોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. સ્થળ પરથી એક કારતૂસનું કવર પણ મળી આવ્યું હતું.
બીજી તરફ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તેમજ જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈ.જી. પણ આ ઘટનાની ગંભીરતાની નોંધ લઈ બારડોલી દોડી આવ્યા હતા. તેમણે ઘટના સ્થળની મુલાકાત લઈ યોગ્ય દિશામાં તપાસના આદેશ આપ્યા હતા. જો કે હાલ આ લખાય રહ્યું છે ત્યારે મોડી સાંજ સુધીમાં મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવાની કામગીરી ચાલી રહી રહી છે.
નાંદીડા ચોકડીથી નાંદીડા ગામ જતાં રોડ પર થોડા અંતરમાં જ ફાયરિંગની ઘટના બની છે. જ્યાં ઘટના બની છે ત્યાં સીસીટીવી કૅમેરા નહીં હોવાથી તપાસમાં થોડી મુશ્કેલી આવી શકે એમ છે. જો કે પોલીસે આજુબાજુની દુકાનો અને ઓફિસના સીસીટીવી ચેક કરવાની કામગીરી હાથ ધરી છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…