ગાંઠિયા ના પાટલાથી પત્રકારત્વ સુધી પહોંચેલા યુવાન ની જાણો સંઘર્ષ કહાની…

ગાંઠિયાના પાટલાથી પત્રકારત્વ સુધી !

સમયની એક થપાટે રોળી નાખ્યું બાળપણ અને રમવાની ઉંમરમાં જ આવવા લાગ્યો જવાબદારીનો બોજ !

સ્કૂલમાં બ્રેક પડતાં જ વિદ્યાર્થીઓ નાસ્તો કરવા જતાં ને’ એક છોકરો બાંકડે બેસી વિચાર કરી કરીને રડ્યા કરતો..!

કાનજીકાકા… તમને ચાવવામાં તકલિફ કાં,,,? લ્યો તો હું એક પોચા ગાંઠિયાનો ઘાણવો કાઢી દવ… ગાંઠિયા ઉતરે ત્યાં સુધીમાં તમે ડુંગળી ફોલો.. હું જરા છાપામાં નજર મારી લઉ.. શું નવાજૂની છે…! આ શબ્દ છે વ્હાઈટનર નામના 22 વર્ષના યુવાનના… તેના પાછળના 10 વર્ષ પર નજર કરીએ તો એક સારી ફિલ્મ બની જાય તેમ છે. સાથે જ આ યુવાનના જીવનની રફતાર પરથી અનેક યુવાનોને પ્રેરણા મળે તેમ છે.

અમરેલીના ચિત્તલ પાસેનું શેડુભાર વ્હાઈટનરનું મૂળ વતન. પરંતુ છેલ્લા ઘણાં સમયથી તે પરિવાર સાથે ગોંડલના દેરડી ગામમાં રહે છે. થોડા વર્ષ પહેલા સમયની એક થપાટે તેનું બાળપણ રોળી નાખેલું. સંજોગો એવા ઉભા થયા કે રમવાની ઉંમરમાં જ તેના પર જવાબદારીઓનો બોજ આવવા લાગ્યો. પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી કે આંઠમાં ધોરણથી અભ્યાસ છોડી દેવાનો વિચાર આવ્યો. પરંતુ બાળપણથી બુદ્ધિજીવી આ છોકરાએ લાંબો વિચાર કરી અભ્યાસ ન છોડવા મનોમન નિર્ધાર કરી લીધો.

બસ પછી તો સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ બ્રેક પડે એટલે દુકાને નાસ્તો કરવા નીકળી જાય. પરંતુ આ એક છોકરો નાસ્તો કરવાને બદલે બાંકડે બેસી વિચાર કરી કરીને રડ્યા કરે. બાદમાં સ્કૂલેથી આવી હોમવર્ક પતાવી નોકરી શોધમાં નિકળી પડતો. પરંતુ તેનો દૂબળો દેહ જોઈ રોજગારી આપનાર પણ વિચારતા કે “આ તે વળી મને શું કામ કરીને આપશે” એમ જાણી સીધી રીતે ના કહી દેતા. ધંધા માટેની “ના” ખૂબ ટૂંકો શબ્દ તેના દિલથી પસાર થતો હતો. ધીમે ધીમે તે નાસિપાસ થવા લાગ્યો અને ઘરે બેસી એક ખૂંણામાં છૂપી રીતે રડ્યા કરે.

એકાદ વર્ષ બાદ બારમું ધોરણ પૂર્ણ થવા આવ્યું અને કોલેજ શરૂ કરવાનો વિચાર ચાલતો હતો. આ વેકેશન દરમિયાન આફત વચ્ચે અચાનક એક આશા જાગી અને દેરડીના સત્યમ પાનવાળા બાલીભાઈએ તેની મુશ્કેલી સમજી તેને પાનાના ગલ્લામાં નોકરી પર રાખ્યો. સાથે સાથે રાતે દેરડીના જાણીતા એવા ઉદા ગાંઠિયાવાળોનો સંપર્ક થયો. પછી તો તેની સાથે રાતે રાતે કામ કરીને ગાંઠિયા શિખવા લાગ્યો. થોડા દિવસમાં જ તે સારી રીતે ગાંઠિયા વણવા લાગ્યો. જેથી ત્યાંથી પણ થોડો પગાર આવવા માંડ્યો. ધીમે ધીમે મજબૂરી જ તેનો શોખ બનવા લાગી. વિચાર કર્યો “હું મારી પોતાની જ દુકાન કરું તો..?” બાદમાં કુંકાવાવમાં ભાડે દુકાન રાખી મિત્ર સાથે પાર્ટનરમાં જ ધંધો શરૂ કર્યો.. દિવસે ગોંડલ કોલેજ શરૂ હોવાથી માત્ર રાત્રે જ દુકાન ખોલ્લે. પરંતુ “આખા પંથકમાં જાણે તેના ગાંઠિયા ગળે વળગ્યા” હોય તેમ ધીમે ધીમે બગસરા અને અમરેલી સુધીના લોકો રાત્રે તેના ગાંઠિયા અને ચિપ્સ ખાવા આવે.

આ યુવાનનું લક્ષ્ય કંઇક બીજું હતું. જેથી કુંકાવાવ ધંધો શરૂ કર્યાના એકાદ વર્ષ બાદ અમદાવાદથી એક મિત્રએ જગ્યાની વ્યવસ્થા કરી આપતાં કોલેજ એક્સર્નલ કરી અને એસપી રિંગરોડ પર કાઠિયાવાડી વણેલા ગાંઠિયા શરૂ કર્યાં. પરંતુ તેના કિસ્મત એક ડગલું પાછળ ચાલતાં હતાં. જેથી અહીં પણ સફળતા ન મળી. તેમ છતાં મનોબળ મજબૂત રાખ્યું અને ઘરે આવવાને બદલે થોડો સમય અમદાવાદમાં જ રહ્યો અને જે કામ મળ્યું તે કર્યું. આ સ્થિતિ વચ્ચે કોઈ મિત્રની ઓળખાણથી મુંબઈમાં ગાંઠિયાની દુકાનમાં નોકરી માટે કોલ આવ્યો. બસ પછી તો અમદાવાદથી રાત્રે બિસ્તરા ભરી લવર મૂછ્યા યુવાને પહેલીવાર એકલા મુંબઈની વાટ પકડી.. (મને ખ્યાલ છે ત્યાં સુધી તે રસ્તામાં ખૂબ રડ્યો હતો)

મુંબઈમાં ફરી ગાંઠિયાનો ઝારો ઉપાડી ગાંઠિયા વણવાનું શરૂ કર્યું. જ્યાં ગાંઠિયા વણવાનું કામ કરે ત્યાં જ રાત પડે એટલે સૂઈ જવાનું. પરંતુ કોલેજમાં પરીક્ષા અને પરિવાર ગુજરાતમાં હોવાથી થોડા મહિનામાં ફરી વતન આવવાની ફરજ પડી. કોલેજના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી. પરંતુ મૂળ તો ગાંઠિયામાં પસ્તી આપવાની આદત હોવાથી ન્યૂઝ પેપર વાંચવાનો તેને ગજબ શોખ હતો. સાથે સાથે રોજબરોજની હલચલ પર પણ તે સતત નજર રાખતો. જેથી સાથી મિત્રોએ પણ તેને પત્રકારત્વનો અભ્યાસ કરવા સલાહ આપેલી. બાદમાં કોલેજનું રિઝલ્ટ આવ્યે કોઈપણ રીતે પત્રકારત્વનો અભ્યાસ કરવો એ વાતની મનમાં ગાંઠ વાળી લીધી..

પત્રકારત્વનો અભ્યાસ કરી અને સારા પત્રકાર બનવું તેનું સપનું હતું. પરંતું સાથે નોકરી વિના અભ્યાસ કરવો શક્ય પણ ન હતો. જેથી અભ્યાસ કરતાં પહેલા રાજકોટમાં પાર્ટ ટાઈમ નોકરી શોધવાનું શરૂ કર્યું. પરંતુ મૂળ તો જીવ ગાંઠિયાનો એટલે યુનિવર્સિટી રોડ પર જાણીતા કારગીલ ગાંઠિયામાં નોકરી કરવાનું નક્કી કર્યું. બાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં અભ્યાસ શરૂ કર્યો. વહેલી સવારથી બપોર સુધી નોકરી કરે અને ત્યાંથી બપોરે ગાંઠિયાનો ઝારો મુકી સીધો કોલેજ જઈને કલમ પકડી લે..! એક સેમસ્ટ બાદ રાત્રે સમય રહેતો હોવાથી બીજી નોકરીની શોધ કરી. જોકે 6 મિહનાથી રાજકોટમાં રહેતો હોવાથી એટલી ઓળખાણ પણ હતી જેથી નોકરી મળી પણ ગઈ. એક ખાનગી કંપનીમાં ટેલિકોલર તરીકે રાતપાળી નોકરી શરૂ કરી.

પછી તો સવારે ગાંઠિયા, બપોરથી સાંજ સુધી અભ્યાસ અને 3 કલાક ઉંઘ કરી વળી રાતે ટેલિકોલરની નોકરી.. આ બધુ તે ખૂબ સહજ રીતે મેનેજ કરતો. સાથે સાથે અઠવાડિયામાં એકાદ દિવસ સમય કાઢીને 70 કિમી દૂર દેરડી પરિવાર પાસે પણ પહોંચી જાય. જોકે બીજા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ કોરોનાની આફતથી દેશ લૉકડાઉન થઈ ગયો. જેથી કોલેજના દરવાજા પણ બંધ થતાં ડિગ્રી આવવાની બાકી છે. પણ, આનંદની વાત તો એછે કે તેનું સપનું હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. ન માત્ર તેનું સપનું અનેક આંખોએ જોયેલું સપનું હવે સાકાર થવા તરફ છે. થોડા દિવસોમાં જ તે મીડિયા જગતમાં પગ મૂકવા જઈ રહ્યો છે. ત્યારે તેની મહેનત, સમજણ અને મક્કમતા જોતા તે પત્રકારત્વમાં પણ તેનું નામ ગૂંજતું કરશે તેમાં બેમત નથી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *