સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશની રાજધાનીમાં જે રીતે શબો સાથે વ્યવહાર કરવામાં આવે છે તે દુખદ છે.દિલ્હીમાં કંઈક તકલીફ છે, કારણ કે ટેસ્ટિંગ હવે 7000થી ઓછું થઈને માત્ર 5000 સુધી પહોંચી ગયું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે તમે ટેસ્ટિંગ કેમ ઘટાડી દીધું છે. મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરોએ ટેસ્ટિંગ વધારી દીધું છે અને આજે 15-17000 ટેસ્ટ રોજ કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં માત્ર 5000 ટેસ્ટિંગ થઈ રહ્યા છે.
કોરોનાના દર્દીઓના શબો સાથે ખરાબ અને અમાનવીય વ્યવહાર ઉપર પણ સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે દિલ્હી સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે દેશની રાજધાનીમાં અને તેની હૉસ્પિટલોનો બહુ ખરાબ હાલ છે.
દિલ્હીની હૉસ્પિટલોમાં ગૃહ મંત્રાલય તરફથી જાહેર નવી ગાઇડલાઇનનું પાલન નથી કરવામાં આવતું. હૉસ્પિટલો શબોની સાચવણી અને તેનો નિકાલ કેન્દ્ર સરકાર તરફથી ઘડવામાં આવેલા નિયમો મુજબ નથી કરી રહ્યા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોરોના દર્દીઓના મૃત્યુ બાદ તેમના પરિજનોને તેના વિશે જાણ પણ નથી કરવામાં આવતી. અનેક એવા મામલા પણ જોવા મળ્યા છે, જેમાં કોરોના દર્દીઓના પરિજન તેમના અંતિમ સંસ્કારમાં એટલા માટે સામેલ ન થઈ શક્યા કારણ કે તેમને જાણ કરવાની તસ્દી પણ નથી લેવામાં આવી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને હૉસ્પિટલો તરફથી રાખવામાં આવેલી બેદરકારી પર જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે એલએનજેપી હૉસ્પિટલની સ્થિતિને ગંભીરતાથી લીધી છે અને તેને પણ જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બંગાળને નોટિસ જાહેર કરી છે જેમાં સરકારી હૉસ્પિટલોની સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત અનેક સરકારી હૉસ્પિટલોના ડાયરેક્ટરોને નોટિસ જાહેર કરવામાં આવી છે.
તમામને દર્દીઓની દેખભાળની જાણકારી સુપ્રીમ કોર્ટને આપવી પડશે. આ ઉપરાંત કોર્ટે કેન્દ્રને પણ નોટિસ જાહેર કરતાં એક વિસ્તૃત જવાબ માંગ્યો છે જેમાં દર્દીઓની દેખભાળની પૂરી ગાઇડલાઇન આપવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલે આગામી સુનાવણી ગુરુવારે થશે.