કોરોના સંકટકાળ કાળમાં મોંઘવારી એ માઝા મૂકતા ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કઠોળ- ફળફળાદિ, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા સતત બીજા મહિને જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. આજે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ફેબ્રુઆરી મહિનાનો જથ્થાબંધ ભાવાંકની રીતે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ વધીને 4.17 ટકાના સ્તરે પહોંચી ગયો છે જે જથ્થાબંધ મોંઘવારી દરમા સતત બીજા મહિનો વૃદ્ધિ દર્શાવે છે. દેશનો જથ્થાબંધ ફુગાવો ગત જાન્યુઆરી 2021માં 2.03 ટકા હતો અને ફેબ્રુઆરી 2020માં 2.26 ટકા હતો.
આંકડાઓ મુજબ ફેબ્રુઆરીમાં ખાદ્ય ચીજોના ભાવમાં 1.36 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે જાન્યુઆરીમાં ફૂડ આર્ટીકલ્સના ભાવ 2.80 ટકા ઘટ્યા હતા. શાકભાજીના ભાવ જાન્યુઆરીમાં 20.82 ટકા ઘટ્યા બાદ ફેબ્રુઆરીમાં માત્ર 2.9 ટકા જ ઘટ્યા છે. જો કે ફેબ્ર્રુઆરીમાં કઠોળના ભાવ 10.25 ટકા, ફળના ભાવ 9.48 ટકા વધ્યા છે તેમજ ઇંધણ – વીજળી 0.58 ટકા મોંઘી થયા છે.
નોંધનિય છે કે, મોંઘવારી દર વધવાની આશંકાએ રિઝર્વ બેન્ક પાછલા મહિને મોનેટરી પોલિસીની સમીક્ષામાં મુખ્ય નીતિગત વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ સતત ચોથી ધિરાણનીતિની સમીક્ષા છે જેમાં વ્યાજદર સ્થિર રાખ્યા છે.