સુરત-વડોદરાની આ સ્કૂલમાં 10 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે. શાળાના કેટલાક વર્ગો શરૂ કરવામાં આવતા કેટલાક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. સુરત અને વડોદરાની શાળામાં 10 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારની શાળા તેમજ વડોદરામાં આનંદ વિદ્યા વિહાર સ્કૂલના વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. હવે વાલીઓમાં ડર ફેલાયો છે કે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોકલવા કે ના મોકલવા, વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થાય તો જવાબદારી કોની.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. કોરોનાના કપરા કાળમાં સતત કેસની સંખ્યા વધતાસુરત મહાનગરપાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સ્કૂલના કેટલાક વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. સુરતની વરાછા સહિત લિંબાયતની શાળાના કુલ 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. વરાછા વિસ્તારમાં આવેલી કૈલાશ વિદ્યાલયના ધોરણ 7ના 5 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે જેને કારણે ધોરણ 7નો એક વર્ગ બંધ કરવામાં આવ્યો છે.

બીજી તરફ લિંબાયતની શાળામાંથી બે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. લિંબાયતની 13 શાળા-કોલેજોમાં શિક્ષક-વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કુલ 533 શિક્ષક અને વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી બે વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

વડોદરામાં સ્કૂલમાં 3 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થયા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી આનંદ વિદ્યા વિહાર સ્કૂલના 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. 3 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલને એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *