સરકારી મેડિકલ કોલેજમાં સરકારી ખર્ચે તબીબી શિક્ષણ પૂરુ કરીને ગુજરાતના ડોક્ટરો વિદેશ જવાનું પસંદ કરી રહ્યાં છે. છેલ્લા 5 વર્ષમાં સરકારી ફીમાં અભ્યાસ પૂર્ણ કરીને 327 ડોક્ટરો વિદેશ જતા રહ્યાં છે. આ ડોક્ટરોના અભ્યાસ પાછળ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના આરોગ્ય વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં નિયમનો ભંગ કરી 327 ડોક્ટરો વિદેશ જતા રહ્યાં છે. રાજ્ય આરોગ્ય વિભાગે આ ડોકટરો પાસેથી સરકારે બોન્ડ પેટે રૂા.6.28 કરોડ રકમ વસૂલ્યાં છે. હવે કોઈ ડોક્ટર પાસેથી રકમ વસૂલવાની બાકી નથી.
તબીબી અભ્યાસ કરવો આજે મોંઘો પુરવાર થયો છે. ખાનગી મેડિકલ કોલેજોની ફી-ડોનેશન વાલીઓને પોષાય તેમ નથી. સારી ટકાવારી ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓને તો સરકારી મેડિકલ કોલેજમાં સરકારી ફીમાં અભ્યાસ કરવાની તક મળે છે.
જ્યારે તબીબી અભ્યાસ ક્રમ પૂર્ણ કર્યા બાદ ડોક્ટરોએ ગામડાઓમાં સેવા આપવી પડે છે પણ હવે ડોકટરોની માનસિકતા બદલાઇ છે. સરકારી ખર્ચે ભણવાનું ને, વિદેશમાં કમાવવુ એ નવી પેઢીના ડોક્ટરોની માનસિક્તા થઈ ગઈ છે.
આજે જયારે ગુજરાતના ગામડાઓમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરોની ભારે અછત વર્તાઇ રહી છે, ત્યારે રાજ્ય સરકાર સરકારી ફીમાં તબીબી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પ્રત્યે ઢીલુ વલણ દાખવી રહી છે તે શંકાને પ્રેરે છે.
રાજ્ય આરોગ્ય વિભાગની ઢીલી નીતિને કારણે ડોક્ટરો નિયમોને સરેઆમ ભંગ કરીને વિદેશ પ્રેક્ટિસ કરવા જઇ રહ્યાં છે.