એક તરફ કોરોના વાયરસે દેશમાં ફરી માથું ઉચક્યું છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે કોરોના વાયરસ રસીકરણ અભિયાન હાથધરવામાં આવ્યું છે. જોકે, કોરોના રસીકરણ અભિયાનમાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની રસી લીધા બાદ એક સ્વાસ્થ્ય કર્મીનું મોત નીપજ્યું હતું. આ સ્વાસ્થ્ય કર્મીએ પહેલો ડોઝ 28 જાન્યુઆરીએ લીધો હતો. જ્યારે બીજો ડોઝ લીધા બાદ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ડોક્ટરોને હજી મોતનું સ્પષ્ટ કારણ જાણાવા મળ્યું નથી.

મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં ભિવંડીના રહેવાસી સુખદેવ કિરદત વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ ઓબ્ઝર્વેશન રૂમમાં લગભગ 15 મિનિટ સુધી બેભાન રહ્યા. ત્યારબાદ તેમને નજીકમાં આવેલી ઈન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. બે બાળકોના પિતા કિરદત આંખોના એક ડૉક્ટર માટે ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. તેઓએ 28 જાન્યુઆરીએ પહેલો ડોઝ લીધો
હૉસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર ખરાતે જણાવ્યું કે, સુખદેવ કિરદતે એક મહિના પહેલા કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યારે કોઈ તકલીફ નહોતી થઈ. ડોઝ આપતા પહેલા તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, અમને જાણવા મળ્યું કે તેમને ઘણા વર્ષોથી બ્લડ પ્રેશરની તકલીફ હતી
તેમના પંજામાં સોજાના લક્ષણ જોવા મળી રહ્યા હતા. હૉસ્પિટલમાં તેમનું બીપી સામાન્ય હતું અને ઓક્સિજન પણ સામાન્ય હતું. તેઓએ વધુમાં જણાવ્યું કે, એ કહેવું મુશ્કેલ છે કે કયા કારણે તેમનું મોત થયું છે. તેના માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

દેશભરમાં ચાલી રહેલા વેક્સીનેશનના બીજા ચરણમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીથી પીડાતા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. પહેલા ચરણમાં સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી. મંગળવારે મહારાષ્ટ્રમાં 33 હજાર 44 લોકોને વેક્સીન આપવામાં આવી. સોમવારની તુલનામાં મંગળવારે વેક્સીન લેવા પહોંચેલા લોકોની સંખ્યા વધી. કોરોના વાયરસની મહામારીથી મહારાષ્ટ્ર ગંભીર રીતે પ્રભાવિત છે.