શાળા-કોલેજો ફી અંગે દબાણ કરે તો કોંગ્રેસ ને કરો ફોન હેલ્પલાઇન નંબર જાહેર કરાયો..

કોરોના વાયરસની મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ હોવાથી અનેક વાલીઓ પોતાના સંતાનોની કૉલેજ-શાળાની ફી ભરવા સક્ષમ નથી. ઓક્ટોબર મહિનામાં પણ વાલીઓ ફી ભરી શકે તેમ ન હોવાનાં દાવા સાથે સુરત શહેર કૉંગ્રેસ કમિટી દ્વારા વાલીઓ માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જયાં વાલીઓ કોલેજ-સ્કૂલ સામે ફરિયાદ કરી શકશે.

શહેરની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ એક તરફ વાલીઓ પાસે ફી વસૂલ કરવા અધીરી બની છે, ત્યારે બીજી તરફ ફી ભરવા અસર્મથ હોય તેવા વાલીઓ માટે કૉંગ્રેસ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા 99983 31211 નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર વાલીઓ કૉલેજ કે શાળા દ્વારા ફી ભરવા માટે કરવામાં આવતા દબાણ સામે ફરિયાદ કરી શકશે.

જે બાદમાં કૉંગ્રેસ યોગ્ય સત્તાધીશોને ફરિયાદ કરશે તેમજ આગામી દિવસોમાં અહિંસક લડત પણ શરૂ કરશે.સુરત શહેર કૉંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. તેની વ્યાપક અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 24મી માર્ચથી સંપૂર્ણ લૉકડાઉન જાહેર કર્યુ હતું.

તેમજ સમગ્ર દેશના વેપાર-ધંધા ઉદ્યોગ સંપૂર્ણ બંધ રહ્યાં હતાં. હજુ તો ધીમે ધીમે છૂટછાટ મળી રહી છે. પરંતુ હજુ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકોને ગુજરાતની તમામ શાળા અને કૉલેજોની ફી ઓક્ટોબર માસ સુધીમાં ભરવા છૂટ આપી છે પણ તે અપૂરતી છે. આવા કપરા સંજોગોમાં ગુજરાતના નાગરિકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, ત્યારે તેમની વ્હારે આવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગુજરાતની તમામ શાળા અને કૉલેજોની પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ કરી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *