સુરત માં માનવતા મહેકી..!! ઉમરા ખાતે કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું..!!

“જ્યાં ચાહ છે ત્યાં રાહ છે…”

સુરતમાં ઠેર ઠેર ઉભા થઇ રહેલાં આઇસોલેસન સેન્ટરો ઉપરની ઉક્તિ સાકાર કરે છે.

સુરતમાં રોજે રોજ કોરોનાના કેસોમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી. તે ઉપરાંત જે દર્દીઓને ડોક્ટર દ્વારા હોમ આઇસોલેશન થવાની સલાહ આપી હોયને દર્દીઓને ઘરે રહેવાની સગવડ ના હોય તેવી સમસ્યાઓ પણ ખુબ વધુ પ્રમાણમાં છે. અમુક દર્દીઓ એવાં પણ હોય છે જેમને કોઇ પરિવારજનો હોતા નથી.

આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હાલના સમયમાં સુરતના દરેક વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરની જરૂરિયાત ઉભી થઇ છે. ત્યારે આજુબાજુના વિસ્તારના સંક્રમિત સભ્યોને ઉપયોગી થઈ શકાય તે માટે આજ રોજ સેવા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને ઉમરા વેલેન્જા સેવા સમિતિ સંચાલિત મેટ્રીક્સ સ્કુલ ખાતે સામાજીક સેવાકીય સંસ્થાઓનાં અગ્રણી અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતીમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું. જેમાં કાનજીભાઈ ભાલાળા અને મહેશભાઇ સવાણી દ્વારા લોકોને માર્ગદર્શન અપાયું.

આ આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સાથેના 20 બેડની વ્યવસ્થા કરાઇ છે. તેમજ આમાં ઇશ્વરના દૂત સમાન 36 ડોક્ટરોની ટીમ જોડાયેલી છે. જેના દ્વારા ત્રણ ટાઇમ દર્દીઓની વિઝીટ લેવાશે. સાથે સાથે તેમને દવાઓ, સવારે ચા-નાસ્તો, બે ટાઇમ ભોજન, જ્યુસ, મિનરલ વોટર, એનર્જી ડ્રીંક્સ, રાત્રે હળદરવાળું દૂધ, 24 ક્લાક ઓક્સિજન જેવી વ્યવસ્થાઓ વિનામુલ્યે પુરી પાડવામાં આવશે. દર્દીઓને અહી સકારાત્મક અને ઘર જેવુ સાનુકુળ વાતાવરણ પુરું પાડવામાં આવશે.

નવાં ઉભરતા વિસ્તાર ઉમરા વેલેન્જાના આ આઇસોલેશન સેન્ટરમાં મધ્યમ પરિવારો માટે ઉત્તમ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેન્ટરની સેવાઓમાં અહીના સ્થાનિક ડોક્ટરનું સંગઠન તેમજ કોરોના યોધ્ધાઓ તરીકે સ્વયંસેવકોમાં શિક્ષકો અને સક્રિય સેવાભાવી યુવાનો જોડાયા છે. જે દિવસ રાત ભુલીને જનસેવા એ જ પ્રભુસેવાના સિધ્ધાંત સાથે ખડે પગે ઉભા રહીને દર્દીઓની પોતાના પરિવારના સદસ્યની જેમ દેખરેખ રાખશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *