આરોગ્યમંત્રી હોસ્પિટલની દેખરેખ ને બદલે આત્મનિર્ભર લોન ના ચેક વિતરણ કાર્યક્રમમાં!! સોશિયલ ડિસ્ટનસના ઉડ્યા લીરેલીરા….

મોઢા પર માસ્ક પહેર્યા વગર કે અંતર જાળવ્યા વગર ફોટો પડાવ્યાનું સામે આવ્યું
સુરત ગુજરાતના રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ફરી વિવાદમાં સપડાયા છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભાર્થીઓ માટે યોજાયેલા વરાછા બેંકના ચેક વિતરણ કાર્યક્રમ બાદ ફોટો સેશનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાં હતાં. આરોગ્ય મંત્રી કાનાણી કે અન્ય કોઈએ માસ્ક નહોતા પહેર્યા કે યોગ્ય અંતર પણ જાળવ્યા વગર જ ફોટો પડાવવામાં મસ્ત બનીને નિયમોના લીરે લીરા ઉડાવતાં કેમેરામાં કેદ થયાં હતાં.


આરોગ્ય મંત્રીના હસ્તે ચેક અપાયા
વરાછા બેંક દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના હસ્તે લાભાર્થીઓને લોનના ચેક આપવામાં આવ્યાં હતાં. બેંક દ્વારા અત્યાર સુધીમાં 5251 ખાતેદારોને 42 કરોડ રૂપિયાનું ધિરાણ થયું છે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેક અપાયા બાદ ફોટો સેશન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય મંત્રી ખુદ જ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરતાં કેમેરામાં ઝડપાયા હતાં.


સોશિયલ મીડિયામાં વાઈરલ
રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિમયનો કરાયેલા ભંગની વાત સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, દુકાનમાં એક જ વ્યક્તિ એટલે કે દુકાનદાર માસ્ક વગર હોય તો પણ પાલિકા દ્વારા 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારે કુમારભાઈ સાથે અનેક વ્યક્તિઓ છે તેમણે માસ્ક પણ નથી પહેર્યા કે નથી અંતર જાળવ્યું તો તેને કોણ અને કેટલો દંડ કરશે તેવી કોમેન્ટ સોશિયલ મીડિયામાં થઈ રહી છે.


છેલ્લા ઘણા સમયથી કાનાણી વિવાદમાં
કોરોના વાઈરસના સંક્રમણ વધવાની સાથે સિવિલમાં પોસ્ટર લાગવાથી લઈને આપના સભ્ય પર હુમલામાં પણ કુમારભાઈનું નામ ઉછળ્યું હતું. બાદમાં લોકરક્ષક સુનિતા યાદવે કુમારભાઈના પુત્રને કાયદાના પાઠ ભણાવ્યા તે મુદ્દે કુમારભાઈ ભારે વિવાદમાં સપડાયા હતાં. સુનિતા સાથેની ટેલિફોનિક વાતમાં કુમારભાઈએ એમ પણ કહ્યું હતું કે, ધારાસભ્યનો પુત્ર પિતાની નંબર પ્લેટ વાળી કાર ચલાવે તેમાં શું વાંધો..આ સિવાયની બાબતે પણ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી છેલ્લા થોડા સમયથી વિવાદમાં છવાયેલા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.