ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળાઓમાં દિવાળી વેકેશન તા. 29મી ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી 21 દિવસનું નિયત કરવામાં આવ્યું હોવાનું રાજયના શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે. જેનો અમલ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ કરવાનો રહેશે. શાળાઓમાં લેવાનારી સંત્રાત પરીક્ષા અંગે હવે પછી અલગથી સૂચના જાહેર કરવાનું જણાવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે બી.એન. રાજગોરે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા પ્રતિવર્ષ શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર તૈયાર કરવામાં આવતું હોય છે. જેમાં નિયત કરવામાં આવતી વેકેશનની તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડતી હોય છે.
ચાલુ વર્ષે કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શક્યું નથી. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા શાળાકીય પ્રવુતિ કેલેન્ડર નિયત થઇ શકેલ નથી. આ સંજોગોમાં વેકેશનલ સ્ટાફ માટે દિવાળી વેકેશનના સમયગાળા અંગે સ્પષ્ટતા કરવી જરૂરી બની હોવાથી બોર્ડે આ જાહેરાત કરી છે.