કોરોના મહામારીએ માનવ જીવનની ઘણી પ્રવૃતિ, આદત બદલી નાંખી છે અને માનવ જીવનને વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ દોરી ગઈ છે. કોવિડ 19 ને કારણે હવે સમૂહ લગ્નોત્સવનું આયોજન પણ વર્ચ્યુઅલી થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા 107 યુગલોનાં ડિજીટલ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. આગામી 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર આ સમૂહ લગ્ન થકી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વિશ્વભરમાં વસતા પટેલ સમાજને ફાઈનાન્સીયલ લિટ્રેસીનો મેસેજ આપશે. એક જ સમયે, એક જ દિવસે યોજાનાર સમૂહ લગ્ન વિશ્વનાં 50થી વધુ દેશ જીવંત પ્રસારણનાં માધ્યમથી નિહાળશે.
સૌરાષ્ટ્ર પટેલ સમાજનાં અગ્રણી લવજીભાઈ ડાલિયા (બાદશાહ) નાં અધ્યક્ષ સ્થાને યોજાનાર સમારોહમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા, આરોગ્યમંત્રી કિશોર કાનાણી, સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ વેલજીભાઈ શેટા, ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડિયા, અમેરિકાથી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજનાં ચેરમેન પ્રવિણભાઈ પાનસુરીયા સહિતનાં આગેવાનો જોડાશે.

લગ્નોત્સવમાં સમાજને રાહ ચીંધતા ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે સમારોહની શરૂઆત કરવામાં આવશે. પતિનું અવસાન થયા બાદ વિધવાને શુભ કાર્યોથી દૂર રાખવામાં આવે છે. ત્યારે સમાજ આ કુરિવાજમાંથી બહાર આવે એ માટે પાંચ ગંગાસ્વરૂપ બહેનોનાં હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. આ સાથે સમાજની યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળે એ માટે વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર યુવાનોનું સન્માન કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સમૂહ લગ્નોત્સવ હોય કે કોઈ અન્ય સામાજીક પ્રવૃત્તિ પટેલ સમાજ અગ્રણીઓએ હંમેશા દાનરાશી વહેતી રાખી છે. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ 107 કન્યાઓને 20000 નો ચેક અને 20000નો કરિયાવર આપવામાં આવ્યો છે. સાથે જ સંસ્થાનાં ટ્રસ્ટી બાબુભાઈ જીરાવાળાએ પિતા વિહોણી 27 દિકરીઓને 5000ની આર્થિક સહાય આપી છે. મહત્વની બાબત એ છે કે, બાબુભાઈ જીરાવાળાનાં બે દિકરાનાં લગ્ન પણ સમૂહ લગ્નોત્સવમાં જ નિર્ધાયા છે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ સમૂહ લગ્નોત્સવની થીમ વિશે જણાવ્યું હતું કે, કોરોના વચ્ચે સમૂહ લગ્નનું આયોજન એ મોટો પડકાર હતો. પરંતુ, 37 વર્ષની પરંપરા ન તૂટે એ માટે અમે મક્કમ હતાં. જેના માટે ગ્લોબલી ડિજીટલ સમૂહ લગ્નનું આયોજન કરી શક્યા છીએ. લગ્નોત્સવમાં દરેક કન્યાને સરકારની યોજના કુંવરબાઈનું મામેરુ અને સાત ફેરા સમુહલગ્ન હેઠળ 22000 સહાય મળવાાત્ર છે. ખર્ચ ઘટાડો-બચત કરો થીમ પર આ સમારોહ યોજાશે. જેમાં દરેક યુગલને ફાઈનાન્સીયલ લિટ્રેસી વિશે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.