વિશ્વમાં રેકોર્ડ નોંધાવવા માટે જાણીતી PM મોદીની સરકારે વધુ એક વિક્રમ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં દેશના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-20માં 1.32 લાખ ટિકિટો વેચી ક્રિકેટ મેચની ભીડ એકઠી કરવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા 20 ટકા વધુ ક્ષમતા વાળુ છે. તેની કેપેસિટી 1.32 લાખની છે. તેની સામે માત્ર બે દિવસમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચે રમાનારી 5 પૈકીની પ્રથમ ટી-20 મેચ માટે 48 હજાર ટિકિટો વેચાઇ ગઇ છે. ટેસ્ટ મેચમાં 50 ટકા હાજરીનો નિર્ણય લેવાયો હતો. એવી જ રીતે ચેન્નાઇની પ્રથમ ટેસ્ટમાં પણ 50 ટકા પ્રેક્ષકોને જ હાજરી અપાઇ હતી.
રિપોર્ટ મુજબ હાલ 500 -1000રુપિયાવાળી ટિકિટો મળતી નથી. માત્ર 2000 અને 2500 રુપિયાની ટિકિટો જ મળી રહી છે. બુક માય શોએ 500 અને 1000 રુપિયાની ટિકિટના સ્લોટ ઓનલાઇન બ્લોક કરી દીધા છે. પરિણામે લોકો 500ની ટિકિટ સ્ટેડિયમ પરથી લેવાની આશાએ ત્યાં પહોંચ્યા હતા અને ધક્કા ખાવા પડ્યા હતા.
સામાન્ય રીતે ક્રિકેટ સ્ટેડિયમ માં પ્રેક્ષકો હંમેશાં આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે. જેને લીધે પિલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચ જોઈ શકાશે.
બીજી બાજુ અમદાવાદ સહિત છેલ્લા કેટલાક દિવસોથી ફરી શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી મ્યુનિ.એ સોમવારે રાત્રે 8 વાગ્યે હોટલ-રેસ્ટોરાં, ખાણીપીણી બજારો બંધ કરાવી દીધાં હતાં. જેથી મંગળવારે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોએ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી.
કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે હોટલ-રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજાર ચાલુ રાખી શકાશે. પરંતુ ક્ષમતાના 50 ટકાથી વધુ ગ્રાહકો હશે તો પગલાં લેવામાં આવશે.