નાણામંત્રી સીતારમણએ આપ્યો સંકેત- પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે કે નહીં?

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ વચ્ચે નાણામંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ (એટીએફ) અને કુદરતી ગેસને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી.

જુલાઇ, 2017ના રોજ જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, તે સમયે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ(એટીએફ)ને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા હતાં.

નાણામંત્રીના આ નિવેદન પછી એ સ્પષ્ટ થઇ ગયું છે કે પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડયુટી અને રાજ્ય સરકાર વેટ વસૂલ કરવાનું ચાલુ રાખશે. એટલે કે આગામી દિવસોમાં પણ સામાન્ય માનવીને કોઇ રાહત મળે તેવી શક્યતા દેખાઇ રહી નથી.

લોકસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં સિતારમને જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ પેટ્રોલિયમ, પેટ્રોલ, ડીઝલ, એટીએફ અને કુદરતી ગેસને જીએસટીના દાયરામાં લાવવાનો કોઇ પ્રસ્તાવ નથી.

તેમણે અન્ય એક પ્રશ્રના જવાબમાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ક્રૂડ, હાઇ સ્પીડ ડીઝલ, પેટ્રાલ, કુદરતી ગેસ અને એટીએફને જીએસટીના દાયરામાં લાવવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલને કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી જીએસટી કાઉન્સીલે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની ભલામણ કરી નથી.

એક અન્ય પ્રશ્રના જવાબમાં નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના નાણામંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ પેટ્રોલ પરની એક્સાઇઝ ડયુટી 19.98 રૂપિયા હતી જે હવે વધીને 32.90 રૂપિયા થઇ ગઇ છે. તેવી જ રીતે એક વર્ષ અગાઉ ડીઝલ પરની એક્સાઇઝ ડયુટી 15.83 રૂપિયા હતી જે હવે વધીને 31.8 રૂપિયા થઇ ગઇ છે.

જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવની અસરના કારણે દેશમાં હોલસેલ મોંઘવારી 27 મહિનાની રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે, ફેબ્રુઆરી મહિનામાં હોલસેલ મુલ્ય આધારીત ઇન્ડેક્સ (WPI) વધીને 4.17 ટકા પર પહોંચી ગયો છે, જાન્યુઆરીમાં આ માત્ર 2.03 ટકા હતી, પેટ્રોલિયમથી માંડીને ખાવા-પીવાનો સામાન, શાકભાજી સુધીનાં ભાવ વધી ગયા છે, ડુંગળીનાં ભાવમાં 31.28 ટકાનો વધારો થયો છે. તો ખાદ્ય તેલમાં તો રીતસરનો ભડકો થઈ ગયો છે. ખાદ્ય તેલ ગરીબની પહોંચથી દૂર થતો જઈ રહ્યો છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.