કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 14મો દિવસ છે. પંજાબ અને હરિયાણાથી આવેલા ખેડૂતો સિંધુ બોર્ડર પરથી હટવા માંગતા નથી. ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધ બોલાવ્યો હતો. મંગળવારે સાંજે જ ખેડૂત નેતાઓની ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. બેઠકમાં જ નક્કી થયું હતુ કે, સરકાર કૃષિ કાયદાઓમાં સંશોધનને (સુધારાઓ) લઈને ખેડૂત સંગઠનોને પ્રસ્તાવ મોકલશે. જોકે, આ પ્રસ્તાવને પણ ખેડૂતોએ ફગાવી દીધો છે.

કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ પર હઠ્ઠે ચડેલા ખેડૂતોએ આજે સરકારના લેખિત પ્રસ્તાવ મળ્યો, જેને ખેડૂતોએ ફગાવી દીધો છે. સરકારે MSP, મંડી સિસ્ટમ પર પોતાની તરફથી કેટલાક સંશોધન સૂચવ્યા હતા. ખેડૂત નેતાઓએ પ્રેસ કોન્ફ્રન્સ કરતાં કહ્યું કે, આખા દેશમાં અમે આંદોલન વધુ ઉગ્ર કરીશું.
ખેડૂત નેતાઓએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, દિલ્હી અને આસપાસના રાજ્યોથી દિલ્હી ચલોની હુંકાર ભરવામાં આવશે. અન્ય રાજ્યોમાં પણ અનિશ્ચિતકાળ સુધી ધરણા ચાલું રાખવામાં આવશે.

ખેડૂત નેતા ડો દર્શન પાલે કહ્યું કે, 12 ડિસેમ્બર સુધી જયપુર-દિલ્હી હાઈવે જામ કરી દેવામાં આવશે. 12 ડિસેમ્બરે બધા જ ટોલ પ્લાઝા ફ્રિ કરીશું. દિલ્હીના રસ્તાઓને જામ કરી દઈશું. ખેડૂત નેતાઓએ રિલાયન્સ જિયોના ઉત્પાદનોનું બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે, બીજેપી નેતાઓનું આખા દેશમાં ઘેરાવ થશે.