પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હિંસક પ્રવૃત્તિઓ બંધ થવાનું નામ લઈ રહી નથી. કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનની ગાડી પર ગુરૂવારે પશ્ચિમી મિદનાપુરના પંચખુડીમાં એક જૂથે હુમલો કર્યો હતો. લોકોએ પથ્થરો અને લાકડીઓ વડે ગાડી પર વાર કરવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલાના પગલે ગાડીના કાચ પણ તૂટી ગયા હતા.
કેન્દ્રીય મંત્રીએ પોતાના સોશિયલ મીડિયામાં આ હુમલાનો વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે તૃણમુલના ગુંડાઓએ મારા પર હુમલો કર્યો હતો. ગુંડાઓએ મારા ગાડીનાં કાચ પણ તોડી નાખ્યાં હતા અને સહકર્મીઓ પર પણ પ્રહારો કર્યા હતા. આ હુમલામાં એમનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો.
વીડિયોમાં એક વ્યક્તિ આખા ટોળા સાથે મંત્રીના ગાડી પર હુમલો કરવા લાકડી લઈને ધસી આવી હતી. આ જોતા જ ડ્રાઈવરે તરત જ ગાડીને રિવર્સ લેવાનું શરૂ કરી દીધું હતું. વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે આ ગામમાં ઠેર-ઠેર TMCના બેનરો લાગેલા હતા અને મંત્રીની ગાડીના કાચ પણ તૂટી ગયા હતા.
બંગાળની હિંસાના પગલે ગૃહમંત્રાલય પણ સજાગ થયું છે અને તેઓએ આ ઘટનાની તપાસ કરવા માટે 4 લોકોની ટીમને પણ બંગાળમાં મોકલી છે. આની પહેલા ગૃહમંત્રાલયે રાજ્યપાલ પાસેથી પણ હિંસાના કિસ્સાઓની રિપોર્ટ માંગી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યાં બીજી બાજુ ભાજપે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરીને બંગાળમાં કાયદાકીય વ્યવસ્થામાં સુધારો લાવવા માટે માંગ કરી હતી. આ હિંસાની તપાસ કરવા માટે CBI તપાસની પણ પિટિશન ફાઈલ કરવામાં આવી છે.