નીતિન પટેલે રાજયની ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ 2500 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી રાજયની ખાનગી લેબમાં ટેસ્ટ કરાવનાર પાસેથી 4500 રૂપિયા ટેસ્ટ ચાર્જ વસૂલવામાં આવતો હતો. જયારે ખાનગી હોસ્પિટલ કે ઘરે બોલાવનાર પાસેથી ખાનગી લેબે 3000 રૂપિયા ચાર્જ વસૂલવાનો રહેશે.તેમજ રાજય સરકાર હસ્તકની તમામ હોસ્પિટલોમાં કોરોનાના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓના ટેસ્ટ સરકારી લેબ નિઃશુલ્ક કરવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ખાનગી લેબમાં એમડી ફીજીશીયનની ભલામણના આધારે ટેસ્ટ કરાવનાર પાસેથી 4500 રૂપિયા વસૂલવામાં આવતો હતો. જેમાં ધટાડો કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલ કોરોના ટેસ્ટ ચાર્જથી વધુ ચાર્જ વસૂલી શકશે નહીં તેમ છતાં કોઈ ખાનગી લેબ વધુ વસૂલશે તો તેની માન્યતા રદ કરવામાં આવશે.
જયારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે, રાજય સરકારે કોરોનાના ટેસ્ટ કરવાની જરૂર છે. સમગ્ર રાજયમાં કોરોનાની ચકાસણી અંગેનો દર 2000 રૂપિયા કરવા રજુઆત કરી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાનગી લેબમાં ટેસ્ટનો 50 ટકા ચાર્જ ઉઠાવવામાં આવે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા કોરોનાની મહામારીમાં કોરોનાની સારવારનો માં અમૃતમ યોજનામાં સમાવેશ કરવા માંગ કરી છે.
મહત્વની વાત તો એ છે કે, ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજય સરકારે એમડી ફીજીશીયનની ભલામણ બાદ ગંભીર બીમારી કે ઓપરેશન માટે જરૂરી તેવા દર્દીઓના ટેસ્ટનો ચાર્જ નક્કી કરાયો હતો. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઊંચો ચાર્જ ખાનગી લેબ દ્વારા લેવામાં આવે છે જે ઘટાડવો જોઈએ તેવી રજુઆત થયા બાદ સંવેદનશીલ ગણાતી સરકારને કોરોનાના ટેસ્ટ ચાર્જ ઘટાડવાની ફરજ પડી છે.