કોરોના વાયરસ સામે લડી રહેલી દેશની રાજધાની દિલ્હી પર આજે વધુ એક સંકટ મંડાયું છે. હરિયાણાના ગુરુગ્રામમાં તીડના હુમલા બાદ આજે દિલ્હી પર પણ તીડના ઝૂંડોએ હુમલો કરી દીધો છે. દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં તીડના હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તીડના હુમલાને પગલે દિલ્હી સરકારે સ્થાનિક તંત્રને એલર્ટ કરી દીધું છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે હાલતને જોતા તાત્કાલિક બેઠક બોલાવી છે. દિલ્હી સાથે જોડાયેલા ગુરુગ્રામ સુધી તીડ પહોંચી ગયા બાદ મંત્રીએ સ્થાનિક અધિકારીઓએ સચેત રહેવાની સૂચના આપી દીધી છે.
આ પહેલા સાઉથ-વેસ્ટ દિલ્હીના ડીએમએ જણાવ્યું હતું કે તીડના હુમલાને પગલે તંત્ર પહેલા જ એલર્ટ પર છે. આશરે 10 દિવસ પહેલા દિલ્હી સાઉથ-વેસ્ટ જિલ્લાના આશરે 70 ગામના લોકોને તીડથી બચવા માટેની તાલિમ આપવામાં આવી ચૂકી છે. ડીએમએ જણાવ્યું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી ખેડૂતોને તીડથી બચવાની તાલિમ આપવામાં આવી રહી છે.

રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને હરિયાણા બાદ હવે પશ્ચિમ મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં અનેક જગ્યા પર રણના તીડના હુમલાને કારણે મોટા પ્રમાણમાં પાક નષ્ટ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે પ્રતિક્રિયાઓ એકઠી કરવા માટે 11 કંટ્રોલરૂમ સ્થાપિત કર્યા છે.
હરિયાણાના મુખ્ય સચિવ કેસની આનંદ આરોરાએ ગત મહિને કૃષિ વિભાગ અને જિલ્લા તંત્રને તીડના કોઈ પણ હુમલાથી બચવા માટે જરૂરી પગલાં લેવા માટે આદેશ કર્યો હતો.
નોંધનીય છે કે આ રણ પ્રદેશના તીડ આફ્રિકા થઈના ઈરાન અને પાકિસ્તાનના રસ્તેથી ભારતમાં પ્રવેશ કરે છે. પોતાની ભૂખને સંતોષવા માટે તીડ તેના રસ્તામાં આવતી તમામ વનસ્પતિને ખાઈ છે. આ દરમિયાન પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે છે.