કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રીએ પૂછ્યા હાલચાલ..

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે. તાજેતરમાં જ તેઓની રાજ્યસભાની ચૂંટણીમાં હાર થઈ છે.

મળતી માહિતી મુજબ,ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકી અનેક નેતાઓ, મીડિયાકર્મીઓ અને અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી હવે સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ લોકોને હોમ ક્વૉરન્ટીન અથવા તેમનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન તેમણે યુ એન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં વીઆઈપીઓ માટે ખાસ વ્યવસ્થા રાખી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં ટેલિફોન ખબર પૂછતી વખતે મુખ્યમંત્રી રૂપાણીએ જરૂર પડે તો તમામ મદદની ખાતરી આપી હતી.

19મી જૂનના રોજ યોજાયેલી યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી માટે ભરતસિંહ સોલંકી કૉંગ્રેસના ઉમેદવાર હતા. આથી તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે કૉંગ્રેસના હજારો કાર્યકરો, ધારાસભ્યો અને નેતાઓને મળ્યાં હતાં. તેમણે તમામ મીડિયાકર્મીઓને પણ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. અમદાવાદ ખાતે જે હોટલમાં કૉંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ તેઓ રોકાયા હતા. આ કારણે હવે ચિંતા વધી છે.ભરતસિંહ અનેક લોકોનાં સંપર્કમાં આવ્યા છે ત્યારે હેલ્થ વિભાગ હવે તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વૉરન્ટીન કરી શકે છે અથવા તેમનો કોરોના ટેસ્ટ કરી શકે છે. જો આવું થશે કો શક્તિસિંહ સહિતના લોકોએ હોમ ક્વૉરન્ટીન થવું પડશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.