આઈપીએલ 2021 ની હરાજીમાં સૌરાષ્ટ્રના ભાવનગરના વરતેજ ગામના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. સૌથી પહેલા RCB ની ટીમે 95 લાખની બોલી લગાવી હતી, ત્યારબાદ રાજસ્થાન ટીમે 1.2 કરોડ ની લગાવી તેમની ટિમમાં લેવામાં આવ્યો. વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારના ચેતનને બાળપણથી ક્રિકેટનો જબરો શોખ હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું હતું.

બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL હરાજીમાં 1.2 કરોડમાં વેચાતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ચેતન સાકરિયાએ તાજેતરમાં જ પોતાની ક્રિકેટ જર્ની વિશે વાત કરી હતી. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી 12 વિકેટ ઝડપી હતી.

ચેતન સાકરિયાએ ક્રિકેટ જર્ની વિશે જણાવતા કહ્યું હતું, મેં 13-14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું મારા પપ્પા (કાન્જીભાઈ) ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી (વર્ષાબેન) હાઉસ વાઈફ છે. હું નાનપણથી ભણવામાં સારો હતો અને ફેમિલી ઇચ્છતું હતું કે હું ભણું અને આગળ જઈને અધિકારી બનું. હું 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી.

હું સ્કૂલમાં હતો ત્યારે ઘરે કોઈને કહ્યા વગર ક્રિકેટ રમવા જતો રહેતો હતો. તે સમયે મારા પર પરિવારના લોકો ઘણા ગુસ્સે થતા હતા. મેં માર પણ ઘણો ખાધો છે. મેં ડિસ્ટ્રિકટ મેચ માટે બોર્ડની એક્ઝામ પણ સ્કિપ કરી હતી અને ડ્રોપ આઉટ કર્યું હતું. જોકે એ સમયે પ્રદર્શન એટલું સારું ન હતું કે સ્ટેટ ટીમમાં સિલેક્ટ થાઉં.