CBSE એ આગામી એકેડેમિક સેશનમાં ધો. 9 થી 12 માં તમામ મોટા વિષયોના અભ્યાસક્રમમાં 30 % ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે બોર્ડે એક સત્તાવાર જાહેરનામું બહાર પાડતાં કહ્યું કે, વર્તમાન સત્ર 2020-21 દરમિયાન અભ્યાસનો ઘણો સમય વેડફાઈ ગયો છે અને હજી પણ શાળાઓ ક્યારે શરૂ થશે તેના કોઈ ઠેકાણા નથી. અભ્યાસક્રમમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા સિલેબસ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે વાલીઓ, શિક્ષકો અને અન્ય હોદ્દેદારો પાસેથી આગામી શૈક્ષણિક વર્ષ માટેનો અભ્યાસક્રમ ઘટાડવા સૂચનો પણ માંગ્યા હતા. કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનમાં દેશના તમામ વિદ્યાર્થીઓએ ભારે નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.
ભણતરમાં થયેલા નુકસાનને મુદ્દે વિદ્યાર્થીઓ પર વધી રહેલા દબાણને ઓછુ કરવા માટે CBSEએ 2020-21 માટે શાળાના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરી દીધો છે. HRD મંત્રી રમેશ પોખરિયાલે આ અંગેની માહિતી આપતા ટ્વીટ કરી હતી કે દેશ અને દુનિયામાં વર્તમાન સંકટને જોતા CBSEએ અભ્યાસક્રમ ફેરબદલ કરવા અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સિલેબસનો દબાણ ઓછુ કરવા માટે ભલામણ કરી હતી.