આપણી બેન્કની વિગતો/ઓટીપી તફડાવવામાં ઠગને રિમોટ એક્સેસ એપ ઉપયોગી થાય છે અને આવી એપ આપણે પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરવી જરૂરી છે એવું ઠસાવવા માટે ઠગને કોઈ મજબૂત કારણ જોઇતું હોય છે. એ માટે મોટા ભાગે તેઓ વોલેટ કે બેન્કની કેવાયસી પ્રોસેસ પૂરી કરવાનું કારણ આપે છે.
ઠગ સાવ નજીવા ખર્ચે હજારો-લાખો લોકોને તેમની કેવાયસી પ્રોસેસ પૂરી કરવી જરૂરી હોવાના મેસેજ મોકલી શકે છે. આમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ ઠગે જણાવેલ વોલેટ કે બેન્કનો ઉપયોગ કરતી હોય એ સ્વાભાવિક છે. તેઓ છટકામાં આવી જાય છે.
એસએમએસ કે અન્ય રીતે આવેલ કેવાયસી સંબંધિત મેસેજ પર ધ્યાન આપો નહીં. તેમાં જણાવેલ નંબર પર ક્યારેય કોલ કરશો નહીં કે એ વ્યક્તિના કહેવાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરશો નહીં અને ટ્રાન્ઝેકશન કરશો નહીં.
તમારા વોલેટની કેવાયસી પ્રક્રિયા કદાચ ખરેખર અધૂરી હોય તો બહુ બહુ તો વોલેટનો ઉપયોગ બંધ થશે, પરંતુ મોટા નુકસાનમાંથી તમે બચી શકશો.