આસામ સરકારે ગૌહાટીમાં વધી રહેલા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખીને સોમવારથી બે અઠવાડિયાનાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. આગતા અઠવાડિયાથી ફક્ત ફાર્મસી અને હૉસ્પિટલો જ ખુલ્લી રહી શકશે.
આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ શુક્રવારે બપોર બાદ આવી જાહેરાત કરી હતી. તેમણે લોકોને માહિતી આપતા જણાવ્યું હતું કે,મહેરબાની કરીને રવિવારે સુધી તમારી તમામ ખરીદી પૂર્ણ કરી લો.
51 વર્ષીય મંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રૅસ કૉન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે, “રવિવાર મધ્યરાત્રીથી બે અઠવાડિયા સુધી કમરુપ જિલ્લો સંપૂર્ણ બંધ પાળશે. જેમાં પ્રથમ સાત દિવસ સુધી ફક્ત હૉસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ જ ખુલ્લાં રહેશે. અન્ય તમામ વસ્તુઓ બંધ રહેશે.”
નોંધનીય છે કે ગૌહાટીની સમાવેશ કમરુપ જિલ્લામાં થાય છે.સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 12 કલાકના કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. જે પ્રમાણે સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી આખા રાજ્યમાં કર્ફ્યૂ રહેશે.
એટલું જ નહીં આ સાથે આસામ સરકાર અન્ય મોટા શહેરોમાં શનિવાર અને રવિવારના દિવસમાં સંપૂર્ણ લૉકડાઉનનું પાલન કરાવશે. આ દરમિયાન ઇમરજન્સી સિવાય અન્ય કોઈ સેવા ચાલુ નહીં રાખી શકાય.આ દરમિયાન ગૌહાટીમાં અમુક સમય દરમિયાન બેંકોને ખોલવાની મંજૂરી મળશે. લૉકડાઉન દરમિયાન મુસાફરો રેલ અને એર ટિકિટનો ઉપયોગ પાસ તરીકે કરી શકશે. એક અઠવાડિયું સંપૂર્ણ બંધ રાખ્યા બાદ આગામી શુક્રવારે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જે બાદમાં બીજા અઠવાડિયે છૂટ આપવી કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.