દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને લોકડાઉન લાગુ કરવા પર વિચારણા કરવા જણાવ્યું છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારોને સામૂહિક સમારોહ તેમજ સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર રોક લગાવવા માટે પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગરીબો પર લોકડાઉનના દુષ્પ્રભાવ પર ચિંતા વ્યકત કરતા એમ પણ કહ્યું કે, સરકાર જો લોકડાઉન લગાવે તો ગરીબો માટે અગાઉથી જ વિશેષ વ્યવસ્થા કરી રાખે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે, તે ઓક્સિજનની ઉપલબ્ધતા, કોરોના રસીની ઉપલબ્ધતા તેમજ તેમની કિંમત, જરૂરી દવાઓ યોગ્ય ભાવે પૂરા પાડવા સંબંધી તેના દિશા-નિર્દેશોનું પાલન કરે. સુપ્રીમે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને તેનો સામનો કરવાની યોજના બનાવે. જ્યાં સુધી કોઇ નક્કર નીતિ ન બને ત્યાં સુધી કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા તેમજ જરૂરી દવા આપવાનો ઇન્કાર ન કરવામાં આવવો જોઇએ. જો કોઇ પાસે ઓળખપત્ર નથી તો પણ તેને સારવાર આપવાથી ઇન્કાર કરી શકાય નહીં. ઓક્સિજનની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ઓક્સિજનની સપ્લાયની વ્યવસ્થા રાજ્યો સાથે ચર્ચા-વિચારણા કરીને તૈયાર કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેરને ‘રાષ્ટ્રીય કટોકટી’ સમાન ગણાવતાં સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર ફરિયાદો ઊઠાવનારા સામે પગલાં લઈને તેમને ચૂપ કરવા બદલ કેન્દ્ર સરકારથી લઈને પોલીસ વડાઓને ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફરિયાદો કરનારા લોકો ખોટી ફરિયાદો કરે છે તેવું માનીને તેમને ચૂપ કરી શકાય નહીં.